નવી સરકાર રચાયા બાદ સચિવાલયમાં અધિકારીઓની ધરખમ બદલી થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને અધિકારીઓની બદલીની યાદી આપી દેવાઈ હોવાનું સૂત્રો જણાવે છે.
સૂત્રોના મતે ભૂપેન્દ્ર પટેલ પોતાની પાસેના વિભાગોમાં અધિકારીઓની બદલી-નિયુક્તિ કરશે. માત્ર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા આમાં અપવાદ રહેશે, CMના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને આ હવાલો સોંપાઇ શકે છે. એ સિવાય શિક્ષણ, નાણાં, કૃષિ, મહેસૂલ, આરોગ્ય, પંચાયત, નર્મદા અને પાણી પૂરવઠા જેવા મહત્ત્વના વિભાગોમાં બદલીઓ થવાની શક્યતા છે.
આનંદીબેન પાસેથી માર્ગદર્શન મેળવ્યાની શક્યતા
સચિવાલયના અધિકારીના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી રવિવારે આનંદીબેન પટેલને મળ્યા હતા. તેમની સાથે પણ સરકારી અધિકારીઓની બદલી અંગે માર્ગદર્શન લીધું હોઇ શકે છે. આ જોતાં આનંદીબેન પટેલના વિશ્વાસુ રહી ચૂકેલા અધિકારીઓની બદલી સચિવાલયમાં મહત્ત્વના વિભાગોમાં થશે.
વિધાનસભા સત્રમાં નવા મંત્રીઓ અને અધિકારીઓ
આવતા સપ્તાહે સોમવાર અને મંગળવાર બે દિવસ માટે વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાઈ રહ્યું છે. આ સત્રમાં નવા મંત્રીઓ ઉપરાંત અધિકારી મોટા ભાગના વિભાગોમાં નવાં જ અધિકારીઓ હાજર રહેશે. ત્યાં સુધીમાં મંત્રીઓને પણ અંગત સચિવ અને મદદનીશ મળી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.