રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે વિજય હાંસલ કર્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ ગ્રહણ કરાવશે. તેમની સાથે મંત્રીમંડળના 22 જેટલા સભ્યો પણ 12 ડિસેમ્બરે, સોમવારે બપોરે 2ઃ15 કલાકે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથ ગ્રહણ કરશે. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર રહેશે.
મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટા સ્ટેજ બનાવાયા છે. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે. ભાજપ માટે વિક્રમજનક 156 બેઠકની જીત પછી વિજય ઉત્સવ ઊજવવાનો આ એક મોટો પ્રસંગ છે. તેથી મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે.
આ સમારંભમાં રાજ્યના 22 જેટલા મંત્રી પણ શપથ લેશે. ભાજપ દ્વારા વિવિધ વિસ્તારો અને જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની યાદી તૈયાર કરવામાં આવી છે. આ મંત્રીઓમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અગાઉ જે મંત્રી હતા તે અને નવા મંત્રીઓ પણ હશે. એકંદરે મંત્રીમંડળ 22 સભ્યોની આસપાસનું રહે એવી શક્યતા હોવાનું સૂત્રોનું કહેવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.