ઓનલાઈન છેતરપિંડી:ગાંધીનગરની ફાર્મા કંપની સાથે ભેજાબાજે કરતબ રચી રૂ. 37.50 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીનાં નામે અલગ મોબાઇલ નંબર ઈસ્યુ કરાવી ઠગાઈ કરાઈ
  • અલગ અલગ બેંક ખાતામાં કંપની જાણ બહાર લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
  • કંપનીના રજીસ્ટર મોબાઇલ નંબરની જગ્યાએ અન્ય નંબર પર OTP મેળવી લીધા હતા

ગાંધીનગરના કલોલ ખાતે દવા બનાવતી રોમ્બાસ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીની જાણ બહાર બેંક ખાતા સાથેનો લિંક્ડ મોબાઇલ નંબરની જગ્યાએ નવો નંબર ઈસ્યુ કરાવી તેના પર ઓટીપી મેળવીને ભેજાબાજ શખ્સો ધ્વારા અલગ અલગ ત્રણ ખાતામાં રૂ. 37.50 લાખ બારોબાર ટ્રાન્સ્ફર કરી લઈને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરના કલોલ રકનપૂર પ્રમુખ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે દવા બનાવતી રોમ્બાસ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીનાં ડાયરેક્ટર જ્યૂલ ધીરજલાલ વાઘાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ફાર્મા કંપનીના ત્રણ બેંક એકાઉન્ટ પૈકી કાલુપુર કોર્મિશયલ કો. ઓ. બેંકનાં ખાતામાં નેટ બેન્કિંગ સેવા કાર્યરત છે. આ બેંક ખાતા સાથે તેમના પિતા ધીરજલાલનો મોબાઇલ નંબર તેમજ કંપનીનું ઈમેલ આઈડી લિંક્ડ કરવામાં આવ્યું છે.

આ બેંક એકાઉન્ટનો ઉપયોગ ધંધાર્થે કરવામાં આવે છે અને તેનો એકસેસ કંપનીના એકાઉન્ટન્ટ કિર્તીલ પટેલ પાસે છે. બેંકના ખાતામાં કોઇપણ લેવડદેવડ અંગે નો ઓટીપી તેમના પિતાના મોબાઇલ પર આવતો હોય છે. ભૂતકાળમાં નેટવર્ક ઈસ્યુ આવે એટલે કોઈ કર્મચારી દ્વારા નોંધાવેલી ફરિયાદનું અપડેટ જયુલભાઈનાં મોબાઇલ પર આવતું રહેતું હોય છે.

જે મુજબ ગત તા. 10મી નવેમ્બરના રોજ પણ મોબાઇલ કંપની તરફથી સર્વિસ મેસેજ આવ્યો હતો. પણ જયુલભાઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. બાદમાં તેમના પિતાના મોબાઇલનું નેટવર્ક જતું રહેતા તેમણે બે ત્રણ વખત મોબાઇલ રી સ્ટાર્ટ કર્યો હતો પણ નેટવર્ક આવ્યું ન હતું. ત્યારે એક ઈમેલ તેમના પર આવ્યો હતો જેમાં ઉલ્લેખ કરાયો હતો કે નવું ઈ સીમ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યું છે અને એકાઉન્ટન્ટ કિર્તીલ પટેલે પણ કહેલું કે ઉક્ત બેંક ખાતાનાં નેટ બેન્કિંગ નો પાસવર્ડ રીસેટ થયાનું બતાવી રહ્યું છે. જેમાં ઓટીપી એન્ટર કરવાનું કહેવાયું છે.

આથી તેમણે પાસવર્ડ રીસેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોબાઈલમાં ઓટીપી આવતો ન હતો. જે અંગે તપાસ કરાતાં માલુમ પડયું હતું કે કાલુપુર બેંકનાં રજીસ્ટર મોબાઇલ ફોન 86950 86756 પર ઓટીપી સેન્ડ થઈ રહ્યા છે. આ જાણીને જયુલભાઈ ચોંકી ઉઠયા હતા. કેમકે આવો કોઈ નંબર કંપની દ્વારા લેવામાં આવ્યો જ ન હતો.

બાદમાં તેમણે બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તા. 11 મી નવેમ્બરે આઈસીઆઈસીઆઈ બેંકના અલગ અલગ ત્રણ ખાતામાં રૂ. 32.50 લાખ ટ્રાન્સફર થઇ ચૂક્યા હતા. તેમજ તા. 12 મી નવેમ્બરે પણ રૂ. 21 લાખ ટેકનિકલ કારણોસર અન્ય કોઈ ખાતામાં ટ્રાન્સ્ફર થયા હતા. જેમાંથી રૂ. 16 લાખ પરત આવી ગયા હતા.

આમ તેમની કંપનીના બેંકના ખાતામાંથી આઈસીઆઈસીઆઈ બેંકના ખાતા ધારક અભિજિત મોડલ, કિરણ પટેલ અને સયંતા મોડલનાં એકાઉન્ટમાં રૂ. 37.50 લાખ ટ્રાન્સ્ફર કરીને ભેજાબાજ શખ્સોએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દાખલ કરવામાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...