આ છે ગુજરાતના 'મહાકાલ':ગાંધીનગરના શિવ મંદિરમાં કરાય છે ભસ્મ આરતી, ત્રણ મિત્રો મધરાતે સ્મશાનમાંથી લઇ આવે છે રાખ

ગાંધીનગર3 મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • કોરોનાકાળમાં ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે આરતી બંધ થઇ ત્યારે અહીં શરૂ થઇ
  • જ્યાં લોકો કચરો ફેકતા હતા, ત્યાં હરિ ઓમ રામ રોટી અન્નક્ષેત્ર શરૂ કર્યુ
  • અન્નક્ષેત્ર પર આવેલા એક ભાઈ ભગવાન શિવનો ફોટો ગિફ્ટમાં આપ્યો
  • ફોટો મૂકવા નાનું મંદિર બનાવ્યું, ભસ્મ આરતી શરૂ થતા પ્રચલિત થયું

દેશ-વિદેશમાં પ્રચલિત એકમાત્ર ભારત દેશના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે 'ભસ્મ' આરતી જે રીતે કરવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં એકમાત્ર ગાંધીનગરના કલોલના બોરીસણા રોડ પર આવેલા 'સત્ય કી સરકાર' નામના શિવ મંદિરે પણ વહેલી પરોઢિયે કરવામાં આવે છે. નવાઈ લાગશે, પણ આ શિવલિંગની ભસ્મ આરતી કરવા માટે જે જગ્યાએ લોકો દિવસે પણ ફફડાટના માર્યા કારણ વિના જવાનું ટાળતા હોય છે એ સ્મશાનથી દરરોજ અડધી રાત્રે ભૂમિક શાહ, નીરવ પટેલ અને ગણપત પટેલ ઉર્ફે કટ્ટપા નામના ત્રણ યુવાન દ્વારા સ્મશાનમાંથી ચિત્તાની ભસ્મને લોખંડના મોટા ચારણાથી ચાળીને લઈ આવવામાં આવે છે અને એ ચિત્તાની ભસ્મ (રાખ)થી વહેલી પરોઢિયે નિયમિત ભસ્મ આરતી કરવામાં આવે છે. તો આ મંદિર નિર્માણ પાછળની રસપ્રદ કહાણી દિવ્ય ભાસ્કર ડિજિટલ લઈને આજે આવ્યું છે.

મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ થતી ભષ્મ આરતી સૌથી વિશેષ છે
ગાંધીનગરના 'સત્ય કી સરકાર' નામે પ્રચલિત મંદિરની રસપ્રદ કહાની રજૂ કરતાં પહેલાં ઉજ્જૈન મંદિરનો ઈતિહાસ વાગોળવો અત્યંત જરૂરી છે. મહાકાલેશ્વર મંદિર ભારતનાં બાર જ્યોર્તિલિંગમાંનું એક છે. આ મધ્યપ્રદેશના ઉજ્જૈનનગરમાં આવેલું છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણામુખી હોવાને કારણે મહાકાલેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા છે. માન્યતા છે કે આનાં દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ થતી ભષ્મ આરતી સૌથી વિશેષ છે. આ આરતી વહેલી સવારે શિવજીને જગાડવા માટે થાય છે.

ઉજ્જૈનમાં આ રીતે ભસ્મ તૈયાર થાય છે
બીજાં દેવી-દેવતાઓના શણગાર સોના-ચાંદીનાં ઘરેણાથી થતો હોય છે, પરંતુ શિવજીનું અલૌકિક રૂપ બધાં દેવી-દેવતા કરતાં અલગ છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મની આરતી કરવાનો રિવાજ ઘણાં વર્ષોથી ચાલતો આવે છે. આ આરતી પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે. શિવપુરાણ પ્રમાણે, ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયનાં છાણાં, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે એને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે.

સળગતી ચિત્તા ઢર્યા પછી દરરોજ રાત્રે ભસ્મ લાવવામાં આવે છે
નવાઈ લાગશે કે દેશના એકમાત્ર ગાંધીનગર-કલોલ-બોરીસણા રોડ પર આવેલા શિવ મંદિરમાં ઉજ્જૈનની સદીઓ જૂની પરંપરા મુજબ જ સ્મશાનમાંથી સળગતી ચિત્તા ઢર્યા પછી દરરોજ રાત્રે ભસ્મ (રાખ) લાવીને વહેલી પરોઢિયે શિવલિંગની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરતી કરવામાં આવે છે, જેની પાછળ રસપ્રદ કહાની છુપાયેલી છે.

હરિ ઓમ રામ રોટી અન્નક્ષેત્ર શરૂ કરવા નક્કી કર્યું
ગાંધીનગરના બોરીસણા ખાત્રજ રોડ પર પેટ્રોલ પંપની સામે એસ્ટેટ બ્રોકર ભૂમિક શાહે વર્ષ 2013માં પોતાની ઓફિસ શરૂ કરી હતી. એ સમયે તળાવ પાસેની વેરાન જગ્યા પર આસપાસના લોકો કચરો ફેંકી જતા હતા, જેની દુર્ગંધ ભૂમિક શાહની ઓફિસ સુધી પહોંચતી હતી. ઘણીવાર લોકોને કચરો નહીં ફેંકવા સમજાવ્યા છતાં સ્થિતિ દિવસે દિવસે વિકટ બની રહી હતી, જેનાથી છુટકારો મેળવવા કેટલાક મિત્રોએ મંદિર, ગાર્ડન, ફૂલછોડ ઉગાડવા સહિતનાં સજેશન આપ્યા હતા. જોકે ભૂમિકભાઈને કોઈના સજેશન ગળે ઊતરતાં ન હતા, કેમ કે તેમને ધાર્મિક સ્થાનની જગ્યા બધાને ઉપયોગી રહે એવું કાંઈ કરવું હતું. એવામાં ઘણું મનોમંથન કર્યા પછી હરિ ઓમ રામ રોટી અન્નક્ષેત્ર શરૂ કરવાનું નક્કી કર્યું.

કચરાની ગંદકીથી ખદબદતી વેરાન જગ્યાએ નિઃશુલ્ક અન્નક્ષેત્ર શરૂ કર્યું
આ અંગે ભૂમિક શાહે દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કચરાની ગંદકીથી ખદબદતી વેરાન જગ્યાએ સાફ સફાઈ કરાવી હરિ ઓમ રામ રોટી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. જમીન દલાલીનો ધંધો ચાલતો હોવાથી પહેલા દિવસથી ગરીબ જરૂરિયાતમંદ લોકોને કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વિના સવાર-સાંજ નિઃશુલ્ક ભોજન આપવાનું શરૂ કર્યું. શરૂમાં કોઈને ખબર ન હતી એટલે 50-60 લોકો આવીને બન્ને ટાઈમ જમી જતા હતા. આમ, જે જગ્યાએ લોકો કચરો ફેંકવા આવતા એ જ સ્થળે લોકો જમવા આવવા માંડ્યા હતા. શરૂમાં દરરોજ ભૂખ્યાને જમાડવા માટે દાળ-ભાત-શાક-રોટલી બનાવવા માટે એક રસોયો રાખ્યો હતો.

શિવના ફોટા પર 'સત્ય કી સરકાર' લખ્યું હતું
તેમણે વધુમાંભમભ કહ્યું હતું કે હું કોઈ દિવસ મંદિર જતો નથી, પરંતુ અન્નક્ષેત્રમાં ભૂખ્યાની જઠરાગ્નિ ઠારીને ગજબનો આત્મસંતોષ થવા લાગ્યો હતો. ધીમે ધીમે અન્નક્ષેત્રમાં સંખ્યા વધવા માંડી, પણ આજદિન સુધી કોઈપણ જાતનું દાન કે ફાળો લેવાની નોબત આવી નથી. એક દિવસ અન્નક્ષેત્ર પર આવેલા એક ભાઈ મને ભગવાન શિવનો ફોટો આપી ગયા હતા, જેના પર 'સત્ય કી સરકાર' લખ્યું હતું. હિન્દુ માન્યતા પ્રમાણે, ભગવાનને થાળ અર્પણ કરવો પડે એવું કોઈએ આવીને કહ્યું હતું, એટલે અન્નક્ષેત્રમાં જમવાનું બને એટલે શિવજીના ફોટાને થાળ અર્પણ કરવાનું શરૂ કર્યું હતું, પણ ફોટો મૂકી રાખવો થોડુંક મને અજુગતું લાગતું હતું. એટલે ફોટાની સ્થાપના માટે એક નાની દેરી(મંદિર) બનાવીને સત્ય કી સરકાર નામ આપ્યું. બસ, પછીથી જે કોઈ જમીને જાય એટલે મંદિરે દર્શન કરી સત્ય કી સરકાર બોલીને જવા લાગ્યું. ઘણા યથાશક્તિ પૈસા મૂકવા લાગ્યા, જે મને પસંદ ન હતું. એટલે બોર્ડ લગાવી દીધાં કે કોઈએ કોઈ પ્રકારનું દાન કે પૈસા આપવા નહીં. જેથી કરીને દાનપેટી પણ રાખી નથી. આમ, સમય વીતતો ગયો, ધીમે ધીમે જરૂરિયાતમંદ ભૂખ્યા લોકોની સંખ્યા વધતી ગઈ અને હાલ દરરોજ ત્રણસો જેટલા લોકો અન્નક્ષેત્રનો લાભ લઈ રહ્યા છે, જેના માટે હવે ચાર રસોઇયા સહિતના માણસોને નોકરીએ રાખવામાં આવ્યા છે.

કોરોનાકાળમાં 15 હજાર ટિફિનની નિઃશુલ્ક સેવા આપી
આ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાકાળ શરૂ થયો. દુનિયાભરનાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ તેમજ વર્ષોથી ચાલતાં અન્નક્ષેત્રો ઉપરાંત તમામ ધંધારોજગાર બંધ કરવાની નોબત આવી, એટલે સુધી કે મંદિરોમાં આરતી પર પણ પ્રતિબંધ લાગી ગયો હતો, પણ 'સત્ય કી સરકાર'ના નેજા હેઠળ ચાલતું અન્નક્ષેત્ર સંપૂર્ણ કોરોના ગાઈડલાઈન્સ સાથે અવિરત ચાલુ રહ્યું હતું. આ સમયે પોલીસ પણ જરૂરિયાતમંદ લોકોને બે ટંકનું ભોજન મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ રહી હતી. પોલીસને મારા અન્નક્ષેત્રની ખબર પડી, એટલે નિયમ મુજબ પોલીસ પણ આવી હતી, પણ એ વખતે ભૂખ્યા લોકોને જમતા જોઈને પોલીસ પણ પૂરતો સાથસહકાર આપવા ખાસ ખડેપગે ઊભી રહી હતી, જેની નોંધ લેવા ખુદ તત્કાલીન જિલ્લા પોલીસવડા મયૂર ચાવડા પણ આવ્યા હતા. કોરોનાકાળમાં 15 હજાર ટિફિનની નિઃશુલ્ક સેવા અન્નક્ષેત્ર પરથી પૂરી પાડવામાં આવી હતી.

ઉજ્જૈનના મહાકાલનો ભસ્મનો શૃંગાર બંધ થયો, એ જ દિવસથી ચિત્તાની ભસ્મથી આરતી કરી
એવામાં સમાચાર આવ્યા કે મંદિરોમાં આરતી કરવા ઉપર પણ પ્રતિબંધ સરકારે ફરમાવી દીધો છે. જેમાં સદીઓથી ચાલતી પરંપરા મુજબ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરનો પણ સમાવેશ હતો. આ સાંભળી ભૂમિકભાઈ વ્યાકુળ થઈ ગયા. કેમકે મહાકાલની સદીઓથી કરવામાં આવતી ભસ્મ આરતી પણ બંધ થઈ ગઈ અને ભૂમિકભાઈનું માનવું છે કે, ઉજ્જૈનનાં મહાકાલનો ભસ્મનાં શૃંગાર બંધ થયો અને દુનિયામાં સ્મશાનમાં ચિત્તાઓ અવિરત સળગવા માંડી હતી. એટલે બીજા જ દિવસથી રોટરી કલબનાં સ્મશાનથી ચિત્તાની ભસ્મ લેવા રાત્રે પહોંચી ગયો હતો. થોડોક ડર તો હતો પણ હવે શિવને ભસ્મ આરતી વિના રાખવા પણ ન હતા. ભૂમિકભાઈએ વધુમાં આગળ વાત કરતા કહ્યું કે, રાત્રે સ્મશાનમાં લોખંડની ચારણી લઈને મારા મિત્રો નિરવભાઈ પટેલ અને ગણપતભાઈ પટેલ સાથે ગયો હતો. સ્મશાનમાં કામ કરતાં ગોવિંદભાઈને વાત કરી એટલે તેમણે પણ સહયોગ આપ્યો અને હાજર ડાઘુઓ પણ ભસ્મ આરતીની વાત સાંભળી સામેથી તૈયાર થઈ ગયા.

દરરોજ રાત્રે સ્મશાનમાં જઈને ચિત્તાની ભસ્મ લઈ આવીએ છીએ: ભૂમિક શાહ
બસ પછીથી ત્યારથી માંડીને આજદિન સુધી દરરોજ રાત્રે સ્મશાનમાં જઈને ચિત્તાની ભસ્મ લઈ આવીએ છીએ અને વહેલી પરોઢિયે સત્ય કી સરકારના શિવલિંગની ઉજ્જૈન મહાકાલેશ્વરની જેમ વહેલી ભસ્મ આરતી કરી રહ્યા છે. કોઈ દિવસ એવું પણ બને સ્મશાનમાં કોઈ મૃતદેહ અગ્નિકર્મ માટે આવી પણ ન હોય. જેથી બે વખત આંટો મારીએ છીએ. પણ આજદિન સુધી એવું બન્યું નથી કે એકેય ફેરો ફોગટ ગયો હોય. હવે મંદિરની ભસ્મ આરતી એટલી પ્રચલિત થઈ ચૂકી છે કે લોકો સામેથી પોતાના સ્વજનની અંતિમ ક્રિયાની જાણ અગાઉથી કરીને સળગતી ચિત્તાની ભસ્મ લઈ જવા જાણ કરવા લાગ્યા છે. એમનું માનવું છે કે, આવી મુક્તિ તો સ્વજનને ક્યાંથી મળી શકે.

જે જગ્યાએ લોકો કચરો ફેંકી જતાં એજ લોકો હવે મંદિરે દર્શન અર્થે આવી રહ્યા છે
રોજ રાત્રે સ્મશાનમાં જઈને ચિત્તાની ભસ્મ લઈ આવવામાં આવે છે અને ભૂમિક શાહ સહિતના શ્રદ્ધાળુઓ વહેલી પરોઢિયે ભસ્મ આરતી કરીને શિવની ભક્તિમાં તરબોળ થઈ જાય છે. આ આરતીમાં હવે આસપાસ ગામના શ્રદ્ધાળુઓ પણ જોડાઈ રહ્યા છે. નવાઈ લાગશે, પણ જે વેરાન જગ્યાએ જે લોકો કચરો ફેંકી જતાં એ જ લોકો હવે મંદિરે દર્શન અર્થે આવી રહ્યા છે. મહિને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પાછળ ચારેક લાખનો ખર્ચ કરતા ભૂમિકભાઈનું માનવું છે કે જ્યારથી અન્નક્ષેત્ર શરૂ કર્યું ત્યારથી કોઈ હિસાબકિતાબ ખર્ચની વિગતો રાખી નથી, એટલે જ સત્ય કી સરકાર નામનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. ટ્રસ્ટ કરીએ એટલે પાછો હિસાબ રાખવાનો, એના કરતાં જ્યાં સુધી યથાશક્તિ છે ત્યાં સુધી આ અન્નક્ષેત્ર અવિરત સવાર-સાંજ ચાલુ રાખવું એ જ મારું લક્ષ્ય છે. તેમને જણાવી દઈએ ભૂમિકભાઈની ઉંમર માત્ર 36 વર્ષની છે. જેમના પરિવારમાં પત્ની કેતાબેન, દીકરો યક્ષ, દીકરી કામાક્ષી અને નાનો ભાઈ આશિષ છે. તેઓ પણ ભૂમિકભાઈ દ્વારા અન્નક્ષેત્ર પાછળ દર મહિને કરવામાં આવતા ખર્ચ વિશે કશું પૂછ્યા વિના પૂરતો સાથસહકાર આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...