નિર્ણય:ભારતમાલા પ્રોજેક્ટ ઈફેક્ટઃ જિલ્લાના 46 ગામમાં એનએની કામગીરી બંધ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતમાલા પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખુંટ લગાવવામાં આવ્યા છે. - Divya Bhaskar
ભારતમાલા પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખુંટ લગાવવામાં આવ્યા છે.
  • નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સૂચનાથી નિર્ણય
  • ગાંધીનગર જિલ્લાના 46 ગામમાંથી આ એક્સપ્રેસ-વેનો લગભગ 56 કિલોમીટરનો રૂટ પસાર થશે

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં થરાદથી અમદાવાદ સુધીના નેશનલ હાઈવેનું કામ આગામી સમયે કરાશે. આ રોડ ઉત્તરગુજરાતના ગાંધીનગર સહિત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, અમદાવાદ જિલ્લામાંથી પસાર થશે. ત્યારે ગાંધીનગર જિલ્લાના 46 ગામમાંથી આ એક્સપ્રેસ-વેનો લગભગ 56 કિલોમીટરનો રૂટ પસાર થશે.

આ કામગીરી માટે આગામી સમયે જમીન સંપાદનની કામગીરી થશે ત્યારે જમીન સંપાદનની કામગીરીમાં કોઈ વિવાદ ઉભો ન થાય અને સરળતા રહે તે માટે હાલ આ ગામોમાં ખેતીની જમીન બિનખેતીમાં તલદીલ કરવાની કામગીરી બંધ કરાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટીની સુચનાને પગલે હાલ આ કામગીરી બંધ કરાઈ છે.

એટલે કે હાલ કલોલ તાલુકાના 13, માણસા તાલુકાના 8, ગાંધીનગર તાલુકાના 16 જ્યારે દહેગામ તાલુકાના 9 ગામની જમીનોમાં એનએની કામગીરી બંધ કરાઈ છે. જિલ્લાના કુલ 46 ગામના ખેડૂતોને આ રોડથી અસર થવાની હોવાને પગલે હાલની સ્થિતિ રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ખેડૂતો દ્વારા સમગ્ર મુદ્દે લડત આપવા પાંચથી વધુ બેઠકો કરાઈ ચૂકી છે. ત્યારે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

કયા ગામની જમીનને અસર થશે?

  • ગાંધીનગર તાલુકોઃ ઉનાવા, પિંડરડા, રાજપુર, છાલા, જાખોરા, ચેખલારણી, પિપળજ, ડોલારાણા વાસણા, ગિયોડ, ધણપ, મહુંધરા, ઈસનપુર મોટા, મગોડી, વડોદરા, ગલુદણ, સોનારડા
  • કલોલ તાલુકોઃ જામળા, વાગોસણા, ધેંધુ, સોભાસણ, ઈટલા, અલુવા, બાલવા, નાદરી, સોજા, બીલેશ્વરપુરા, રણછોડપુરા, વેડા હિંમતપુરા, ભીમપુરા​​​​​​​
  • માણસા તાલુકોઃ પાટનપુરા, પારસા, આખાઆંબા, વોરુ, પરબતપુરા, ધોળાકુવા, રાજપુરા, પુજાપુર
  • દહેગામ તાલુકોઃ હાલિસા, સાણોદા, નાંદોલ, વાસણા રાઠોડ, જલુન્દ્રા મોટા, કડાદરા, રામનગર, કરોલી, દહેગામ

સર્વે નંબર આધારિત લીસ્ટ મોકલાયું
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 28 જાન્યુઆરીના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના 156 ગામની જમીન સંપાદન કરવાનું નોટીફિકેશન જાહેર કર્યું હતું. બનાસકાંઠાના થરાદથી લઇ દસ્કોઇ તાલુકા સુધીના 213.5 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં ગુજરાતના 5 જિલ્લાના 14 તાલુકાના 156 ગામની જમીન સંપાદન થવાનું લખાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લાના 46 ગામોનો પણ સમાવેશ થાય છે. જેને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા જમીનોના સર્વે નંબર આધારીત લીસ્ટ કેન્દ્ર સરકારમાં મોકલી આપ્યું છે.

એનએની કામગીરી કેમ બંધ કરાઈ ?
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરેલા ગામ અને વિસ્તારની જમીન સંપાદન કરવાનું નક્કી કરી લેવાયું છે. જેને પગલે આગામી સમયે જે જમીનની સંપાદન થવાનું જ હોય ત્યાં બીન ખેતી સહિતની મંજૂરી આપવાની પ્રક્રિયાથી વિવાદો ઉભા થાય તેવી શક્યાતા છે. સરકાર દ્વારા જમીન સંપાદનમાં જંત્રીના ભાવના ચારગણા જેટલી કિંમત અપાતી હોય છે. સામાન્ય રીતે ખેતીની જમીન કરતાં બીન ખેતીની જમીનના ભાવ વધારે હોય છે. જેને પગલે પણ સંપાદનમાં વધારે પૈસા ચુકવવાની સ્થિતિ આવે ત્યારે આ બધા કારણોથી હાલ કામગીરી બંધ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...