મેયરની પસંદગીની કવાયત શરૂ:ગાંધીનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ મેયર SC કેટેગરીના, ભરત દીક્ષિત અને હિતેષ મકવાણા પ્રબળ દાવેદાર

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેપ્યુટી મેયર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરાશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ઐતિહાસીક જીત હાંસલ કરી કોર્પોરેશનમાં પણ ભગવો લહેરાવી દીધો છે. ત્યારે અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિનાં ઉમેદવાર પર મેયર પદનો કળશ ઢોળાશે. મેયર પદની રેસમાં દસાડાનાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા પુત્ર હિતેશ મકવાણા તેમજ વોર્ડ - 4 નાં ઉમેદવાર દીક્ષિત ભરતભાઈ શંકરભાઈને પ્રબળ દાવેદાર ગણવામા આવી રહ્યા છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપે 44 માંથી 41 સીટો હાંસલ કરી ઈતિહાસ રચી સ્પષ્ટ બહુમતી સાથે વર્ષોનું મહેણું પણ ભાંગી નાખ્યું છે. ગાંધીનગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ભાજપે કોર્પોરેશનમાં સ્પષ્ટ બહુમતી મેળવીને વિપક્ષનો પણ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ એક હથ્થુ શાસન કરનાર કોંગ્રેસને ધોબી પછડાટ આપ્યા પછી ભાજપે કોર્પોરેશનમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાખી કોંગ્રેસનાં અસ્તિત્વ પર સવાલ ઊભો કરી દીધો છે.

મેયર પદના દાવેદાર ભરત દીક્ષિત
મેયર પદના દાવેદાર ભરત દીક્ષિત

આ વખતે કોર્પોરેશનમાં મેયર પદ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જેનાં કારણે મેયર પદ આ જ્ઞાતિમાંથી જ બનશે. અઢી વર્ષ માટે અનામત જ્ઞાતિમાંથી વોર્ડ નંબર - 8 અને વોર્ડ - 4માંથી વિજય થયેલા હિતેશ પૂનમભાઈ મકવાણા તેમજ ભરતભાઈ શંકરભાઈ દીક્ષિતના નામો મેયરની રેસમાં ચાલી રહ્યા છે. જો કે હિતેશ મકવાણાના પિતા પૂનમભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય હોવાથી તેમની પ્રબળ દાવેદારી ગણવામાં આવી રહી છે. જો કે ભાજપની તાસીર મુજબ ભવિષ્યની વિધાન સભાની ચૂંટણીને ધ્યાને રાખી આશ્ચર્યજનક નિર્ણય પણ કરાય તે વાત નકારી શકાય તેમ નથી.મેયરની નિમણૂક કર્યા પછી ઉચ્ચ કક્ષાએથી ડેપ્યુટી મેયરનું નામ નક્કી કરવામાં આવશે. જે બાદમાં સ્ટેન્ડીંગ સભ્યોની કમિટી બનાવવામાં આવશે. જે સભ્યો ધ્વારા સ્ટેન્ડીંગ ચેરમેનનાં નામનો પ્રસ્તાવ રાખવામાં આવશે. જેને ચુંટાયેલા કાઉન્સિલરો દ્વારા માન્ય રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં ભાજપમાં પક્ષના નેતા તેમજ દંડક ની ખાલી પડેલી જગ્યા પણ ભરવામાં આવે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.

મેયર પદના દાવેદાર હિતેષ મકવાણા
મેયર પદના દાવેદાર હિતેષ મકવાણા

ગાંધીનગરની નબળી નેતાગીરી તેમજ દિશા વિહીન કોંગ્રેસનાં સરકાર વિરોધી મુદ્દાને જનતાએ સ્વીકાર્યા નથી. જ્યારે આમ આદમી પાર્ટી પણ ગાજી એટલી વરસી નથી. જો કે તેણે કોંગ્રેસને વ્યાપક નુકશાન પહોંચાડી એક સીટ હાંસલ કરવામાં સફળતા મેળવી છે આમ ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસના સૂપડા સાફ કરવામાં આમ આદમી પાર્ટીએ મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. હવે જયારે કૉર્પોરેશનમાં સ્પષ્ટ જનાદેશ મેળવનાર ભાજપમાંથી ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયરનું પદ કોને મળશે તે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. કોર્પોરેશનનાં ભૂતકાળ પર નજર કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાની આ ત્રીજી ચૂંટણી હતી . અગાઉની બંને ચૂંટણીઓમાં રાજકીય તડજોડ જોવા મળી હતી.

ગાંધીનગરમાં મનપામાં જીતની ઉજવણી કરી રહેલા ભાજપના નેતાઓ
ગાંધીનગરમાં મનપામાં જીતની ઉજવણી કરી રહેલા ભાજપના નેતાઓ

વર્ષ-2010માં ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 2011માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી હતી. શહેરના પ્રથમ મેયર તરીકે કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણાએ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થાય એ પહેલાં બળવો કરી ભાજપને સત્તા અપાવી હતી. બાદમાં અઢી વર્ષ પછી બક્ષીપંચનાં હંસાબેન મોદીને મેયર બનાવવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ એપ્રિલ-2016માં યોજાયેલી બીજી ચૂંટણીમાં 8 વોર્ડની 32 બેઠકોમાંથી બંને પક્ષોને 16-16 બેઠકો મળી હતી. જેના કારણે ટાઈ પડી હતી, પરંતું કોંગ્રેસના પ્રવિણ પટેલ ભાજપના ટેકાથી મેયર બન્યા હતા. જે પછી સામાન્ય મહિલા અનામત સીટ હોવાથી રીટાબેન પટેલને મેયર પદ આપવામાં આવ્યું હતું. આમ સતત બીજી ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા જોડતોડની રાજનીતિ થઈ હતી અને ભાજપે સત્તા મેળવી હતી. ત્યારે ભાજપે 18 ગામોનું વિલીનીકરણ કરી કોર્પોરેશનમાં સમાવેશ કરી માસ્ટર સ્ટ્રોક ખેલવામાં આવ્યો હતો. જેથી વોર્ડની સંખ્યા 11 અને સીટો 44 થઈ ગઈ હતી.આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં 3 વોર્ડ અને 12 કાઉન્સિલરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ સાથે જ નવા સીમાકંન મુજબ, મહાનગરપાલિકામાં કાઉન્સિલરોની સંખ્યા 32થી વધીને 44 થઈ ગઈ છે. જેનાં કારણે કોર્પોરેશન ચૂંટણી જંગમાં સીધો ફાયદો આ વખતની ચુંટણીમાં ભાજપને થયો છે. અને સ્પષ્ટ રીતે બહુમતી મેળવી ઈતિહાસ રચી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...