દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. દુનિયાના અલગ-અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. એવામાં હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ‘આત્મનિર્ભર’ ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે આવી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યાં ટ્રાયલ થવાની છે તે સ્થળેથી DivyaBhaskarના લાઈવ રિપોર્ટમાં તૈયારીઓ જોવા મળી હતી. ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિશેષ રૂમમાં વેક્સિન રાખવામાં આવી છે. વેક્સિનનું ટ્રાયલ પરમ દિવસથી શરૂ કરવામાં આવશે. આઈસીએમઆરની ગાઈડ લાઈનને આધિન નિયત તાપમાન હેઠળ વેક્સિનને રખાશે. 1 સપ્તાહ સુધી વેક્સિનને પ્રિઝર્વ રખાશે. નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ વેક્સિનને ટ્રાયલ માટે અપનાવાશે. અહીં 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવાનું આયોજન કરાયું છે.
કોલ્ડ સ્ટોરેજની અંદર વેક્સિન સ્ટોર કરાશે
ભારત બાયોટેકની ‘આત્મનિર્ભર’ની ટ્રાયલ માટે એથિકલ અને સાયન્ટિફિક કમિટિની મંજૂરી મળી ગઇ છે. આ વેક્સિનની કોલ્ડ ચેઈન જળવાઈ રહે તે માટે સ્ટોરેજની અલગ વ્યવસ્થા કરાઈ છે. કોલ્ડ સ્ટોરેજમાં આ વેક્સિન 2થી 8 ડિગ્રીમાં સંગ્રહ કરાય એ રીતે ટેમ્પ્રેચર સેટ કરાશે. બે દિવસ કમિટિની મિટિંગ ચાલશે અને પછી વોલન્ટિયરને આ વેક્સિનનો ડોઝ ટ્રાયલ માટે અપાશે.
1000 વોલન્ટિયરને શોટ અપાશે, એક કલાક બેસાડી નિરીક્ષણ કરાશે
સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનના ટેસ્ટિંગ માટે 1000 વોલન્ટિયરને સ્ટેન્ડબાય રખાયા છે. દરેક વોલન્ટિયરને વેક્સિન આપ્યા બાદ એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ત્રીજા તબક્કાની વેક્સિન ટ્રાયલ માટે 1 હજાર વોલન્ટિયરને અગાઉથી નિર્ધારિત કરી રખાયા છે. માત્ર સ્વસ્થ લોકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. એક કલાકના ઓબ્ઝર્વેશન બાદ તેમને જવા દેવામાં આવશે. ત્યારબાદ નિયમિત વેક્સિનની શું અસર થઇ તેનું મોનિટરિંગ સોલા સિવિલની ટીમ દ્વારા થશે.
કો-વેક્સિનના સુપરવિઝન માટે કમિટિની રચના
કો-વેક્સિનને લઇને થોડીવાર પહેલા જ સોલા સિવિલમાં બેઠક મળી હતી. જેમાં એથિકલ કમિટિ અને સાયન્ટિફિક કમિટિની રચના કરવામાં આવી છે. જે વેક્સિનનું સ્ટોરેજ અને રિસિવ કરવાની પ્રક્રિયા કરશે. તેમજ જે વોલેન્ટીયરને વેક્સિન આપવા સુધીની પ્રક્રિયા હાથ ધરશે. કો-વેક્સિન અંગેનું તમામ સુપરવિઝન આ કમિટિ દ્વારા કરવામાં આવશે, જેનું એપ્રૂવલ મળી ગયું છે. હાલ સોલા સિવિલમાં વેક્સિનને કેવી રીતે સ્ટોરેજ કરવી એ અંગેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
રાજ્યમાં રસીની ટ્રાયલ ફરી શરૂ થશે
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરાયેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરાશે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું, એમ રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે.
કોવેક્સિનની અસર 70 ટકા
ભારત સરકારની ભારત બાયોટેકે વિક્સાવેલી આ સ્વદેશી રસી કોવેક્સિનની અસરકારકતા 70 ટકા હોવાનું જણાવાયું છે, જે ઘણાં સારાં પરિણામ કહી શકાય. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ગયા સપ્તાહે જ શરુ થઇ ગયું હતું, જાણકારોના મતે, સ્વયંસેવકોના શરીરમાં રસીનો પહેલો ડોઝ અપાયા બાદ તેના લોહીના પરીક્ષણ તથા અન્ય પરીક્ષણોને આધારે તેનાં પરિણામો ચકાસાય છે, ત્યાર બાદ 21મા દિવસે બીજો ડોઝ આપીને 48 દિવસ સુધી તેના સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો આ દરમિયાન કોઇ વિપરીત પરિણામો ન મળે તો કેન્દ્ર સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી આપશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને માર્ચ 2021માં આ રસી આવશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.