ડ્રો સિસ્ટમ નાબૂદ:વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થીની પસંદગી કરાશે

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રો સિસ્ટમમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદના પગલે વિચારણા
  • બેઠકમાં ખેડૂતોને લગતા 54 મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી

રાજ્ય સરકારની ખેડૂત માટેની વિવિધ યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પર આવેલી અરજીઓ પૈકી લાભાર્થીઓની પસંદગી માટે હાલમાં ચાલતી ડ્રો સિસ્ટમને નાબૂદ કરી તેના સ્થાને વહેલા તે પહેલાના ધોરણે અરજીને ધ્યાને લઇ ખેડૂત લાભાર્થીની પસંદગી અંગે કૃષિ વિભાગે હકારાત્મક વિચારણા આદરી છે. બુધવારે ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારો અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. ખેડૂતલક્ષી તમામ યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મગાવાય છે. દર વર્ષના લક્ષ્યાંક કરતા વધારે અરજીઓ આવી હોય તેવા કિસ્સામાં ડ્રોથી લાભાર્થી ખેડૂતની પસંદગી કરાય છે.

જેમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો થઇ છે. અનેક ખેડૂતો દર વર્ષે અરજી કરતા હોવા છતાં ડ્રોમાં નામ નહીં આવવાને કારણે વર્ષો સુધી લાભથી વંચિત રહેતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે જેના કારણે બેઠકમાં ડ્રો સિસ્ટમ બંધ કરવાની ભારપૂર્વક રજૂઆત થઇ હતી.ખેડૂતો તરફથી એવી પણ રજૂઆત થઇ હતી કે કેટલીક યોજનામાં સબસિડી માટે લોન લેવાનું ફરજિયાત હોય છે.

આવા કિસ્સામાં તેના વ્યાજની ગણતરી કરવામાં આવે તો સબસિડીની રકમ જેટલું વ્યાજ થઇ જાય છે જેનાથી ખેડૂતોને કંઇ ફાયદો થતો નથી જેથી લોન લેવાની શરતો રદ કરવી જોઇએ.આ બેઠકમાં ભાજપ કિસાન મોરચા તરફથી ખેડૂતોને લગતા 54 જેટલા મુદ્દા પર ચર્ચા કરાઇ હતી, જેમાં ટ્રેક્ટર જેવા સાધનોના બજેટમાં વધારો કરવો, ટ્રોલી સહાય આપવી, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની સહાય વધારવી, તારની વાડના ક્લસ્ટરનો વિસ્તાર ઘટાડી એક હેક્ટર કરવો, અકસ્માત વીમા યોજનામાં રક્ષણ વધારવા સહિતના મુદ્દાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...