સરકારની મોટી જાહેરાત:'મા-અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ' સરકારી હોસ્પિટલમાંથી પણ કઢાવી શકાશે, આખા પરિવારદીઠ એક કાર્ડને બદલે હવે વ્યક્તિગત કાર્ડ અપાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નીતિન પટેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
નીતિન પટેલની ફાઈલ તસવીર.
 • મા કાર્ડના લાભાર્થીઓને સરકાર હવે પરિવારદીઠ વ્યક્તિગત કાર્ડ આપશે
 • લાભાર્થીના પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો એકને બદલે પાંચ કાર્ડ આપવામાં આવશે
 • સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરાયું

કોરોનાકાળમાં દર્દીઓની સારવાર માટે 'મા કાર્ડ' દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. એ ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જોતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની મુદત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે સરકારી હોસ્પિટલોમાં નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી બધા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળી શકે.

પરિવારમાં વ્યક્તિદીઠ મા-કાર્ડ અપાશે
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પૂરી પાડવા માટે રાજય સરકારે "મા-અમૃતમ વાત્સલ્ય" યોજના કાર્યરત છે, જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડને બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

સરકારી હોસ્પિટલમાંથી મા કાર્ડ બનાવી આપવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે મા/મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા“આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”,“મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્યકવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે. મા/મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.

પરિવારમાં 5 સભ્યને પાંચ મા કાર્ડ
ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા- અમૃતમ્” અને “મા - અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. એને બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. દા.ત. એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો આ પહેલા પાંચ વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું. હવે પરિવારના પાંચ જણને અલગ-અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે, જેથી સારવાર મેળવવામાં સરળતા રહેશે.

મા કાર્ડની પ્રતીકાત્મક તસવીર.
મા કાર્ડની પ્રતીકાત્મક તસવીર.

જૂના કાર્ડ પર પણ પહેલાંની જેમ સારવાર ચાલુ રહેશે
તેમણે ઉમેર્યું હતું કે હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે, જેથી જરૂરિયાત પ્રમાણે, 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.

'મા' અને 'મા વાત્સલ્ય' યોજનાનો લાભ કોને મળે અને તેની પાત્રતા

 • મુખ્યમંત્રી અમૃતમ્ “મા” યોજનાનો લાભ ગરીબી રેખા(BPL) હેઠળ જીવતાં કુટુંબોને મળે છે.
 • 'મા વાત્સલ્ય કાર્ડ' યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ આશા બહેનોને લાભ મળવાપાત્ર છે.
 • વાર્ષિક રૂ.4 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના તમામ પરિવારોને એનો લાભ મળવાપાત્ર છે.
 • માન્ય પત્રકારો.
 • રાજ્ય સરકારમાં સીધી ભરતીથી નિમણૂૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ ફિક્સ પગારના કર્મચારીઓ.
 • સિનિયર સિટિઝનોના કુટુંબોના વાર્ષિક રૂપિયા 6.00 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા હોય તેમને લાભ મળવાપાત્ર છે.

મા કાર્ડ કઢાવવા જરૂરી દસ્તાવેજો

 • BPL અંગેનું પ્રમાણપત્ર (મા કાર્ડ માટે)
 • બારકોડવાળું રેશનકાર્ડ
 • બારકોડવાળા રેશનકાર્ડમાં સમાવેશ થતી વ્યકિતઓ (વધુમાં વધુ પાંચ)ના આધારકાર્ડ.
 • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો.
 • આશાબહેનો અને તેમનાં પરિવારજનો માટે પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે ફરજ બજાવતા હોય એ કેન્‍દ્રના તબીબી અધિકારીનું પ્રમાણપત્ર.
 • માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ માન્‍યતાપ્રાપ્ત કરેલા પત્રકાર તરીકેનું પ્રમાણપત્ર.
 • રાજ્ય સરકારમાં વર્ગ-3 અને વર્ગ-4 તરીકે ફિક્સ પગારના કર્મચારી તરીકે નિમણૂકપત્ર.
 • ફિક્સ પગારના કર્મચારીએ સંબંધિત વિભાગ/ કચેરીના વડાએ પ્રમાણિત કરેલા ફોટો સહિતનું પ્રમાણપત્ર.