ગુડાએ સરગાસણ, કુડાસણ, વાવોલ અને પેથાપુરમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવાર માટે 2100 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે આવાસ તૈયાર થયાને છ માસથી વધુનો સમય થવા છતાં તેના લોકાર્પણની કામગીરી લટકી પડતા લાભાર્થીઓની હાલત ચાતક પક્ષી જેવી બની રહી છે. જોકે આવાસનું લોકાર્પણ મુખ્યમંત્રી કે કેન્દ્રિય ગૃહ મંત્રી કોના હસ્તે થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
બે વર્ષ અગાઉ ગુડાએ પેથાપુર, વાવોલ, સરગાસણ અને કુડાસણમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવાર માટે 2100 આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં આવાસ માટે લાભાર્થીએ આપવાની થતી અંદાજીત રકમ રૂપિયા 5.50 લાખ નક્કી કરવામાં આવ્યા છે. જોકે બે વર્ષ અગાઉ કોરોનાકાળમાં આવાસ યોજના માટે ફોર્મનું વિતરણ બે બે વખત અટકાવીને શરૂ કરવામાં આવ્યું હતું.
આવાસ યોજનાના આવેલા ફોર્મની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કર્યાને છ માસ જેટલો સમય થયો છે. ઉપરાંત આવાસ તૈયાર પણ થઇ ગયા હોવા છતાં આવાસ યોજનાનો ડ્રોની કામગીરી ગુંચવણમાં પડતા લાભાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.ગુડાએ આર્થિક રીતે નબળા વર્ગના આવાસ માટે વાર્ષિક આવકની મર્યાદા પણ રૂપિયા 3 લાખ નક્કી કરી હતી.
ગુડા દ્વારા ટીપી-7 સરગાસણ-કુડાસણમાં 1208, ટીપી-13 વાવોલમાં 288, ટીપી-13 વાવોલમાં 504 અને ટીપી-16 પેથાપુરમાં 100 આવાસ બનાવવામાં આવ્યા છે. આવાસના ડ્રોને લગતી તમામ કામગીરી ગુડા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. અને હવે કેન્દ્રિય ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કોના હસ્તે લોકાર્પણ થશે? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.