તપાસ:માનવ સારો ડાન્સર હોવાથી ઓડીશન અપાવવા માતા અમદાવાદમાં લઈ જતી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતાના મૃત્યુ પછી માનવ ખરાબ રસ્તે ચડી ગયો હતો
  • ​​​​​​​માતાનું કૅન્સરથી મોત થયા બાદ પિતાએ આપઘાત કરી લીધો હતો

વડોદરાના દેવાંશ ભાટિયાની હત્યા કરનારા આરોપીઓ પૈકીનો એક સારો ડાન્સર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી માનવની માતાનું અવસાન થયા બાદ તેના પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. પોલીસને મળેલી માહિતી પ્રમાણે હત્યાનો મુખ્ય સૂત્રધાર માનવ ઉમેશ પવાર પહેલાં અભ્યાસમા તેજસ્વી હતો પરંતુ તેનાં માતા-પિતાનું અવસાન થયા બાદ માનવના જીવનનો ટ્રેક બદલાયો હતો. માનવનાં માતા ગીતાબહેન કૅન્સર સામે જંગ હારી ગયાં હતાં. ત્યાર બાદ તેના પિતાએ આપઘાત કરી લીધો હતો.

ત્યાર બાદ વાવોલમાં આવેલું મકાન ભાડે આપીને તેનું ગુજરાન ચાલતું હતું. માનવ ખૂબ સારો ડાન્સર હોવાથી માતા અમદાવાદમાં અનેક જગ્યાએ ઓડિશન અપાવવા લઈ જતી હતી. અગાઉ માનવ આર્મીમાં નોકરી કરતા મામા પાસે રહેતો હતો પરંતુ વાવોલના સેક્ટર 13ના છાપરામાં રહેવા આવ્યા બાદ ખરાબ સોબતે ચડી ગયો હતો. ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તે એક છોકરીના સંપર્કમાં આવ્યો હતો, પરિણામે તેને ખરાબ રસ્તા પકડ્યા હતા.

આરોપીઓના 6 દિવસના રીમાન્ડ મંજૂર
દેવાંશ ભાટિયાના હત્યાકેસમાં પકડાયેલા આરોપીઓને ગુરુવારે ગાંધીનગર કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરાતાં કોર્ટે 6 રીમાન્ડ મંજૂર કર્યા હતા. હોટલ લીલામાં નોકરી કરતા અને મૂળ બરોડાના દેવાંશ રોમી ભાટીયાની ગત 8 ઓક્ટોબરે હત્યા કરાઇ હતી. પોલીસે એક સપ્તાહમા આ ઉકેલી શકાય નહિ તેવા કેસનો ભેદ ખોલી નાખ્યો હતો. જેમા બીજા નોરતે માત્ર રાત્રિના સમયે ચા પીવાના રૂપિયા નહિ મળતા લૂટનો પ્લાન બનાવનાર આરોપીઓએ રૂપિયાની આશામા ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસે ચાર આરોપી જેમા માનવ ઉમેશ પવાર (રહે, સેક્ટર 13 છાપરા), આશિષ મહેશ સોલંકી (રહે, પ્લોટ નંબર 501 /1, સેક્ટર 13એ), ઘનશ્યામ ઉર્ફે કાળુ નારણ કાનાણી (રહે, પ્લોટ નંબર 406/1, સેક્ટર 13એ) અને એક કિશોરને ઝડપી લીધો હતો. ત્યારે ગુરૂવારે ચારેય આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રીમાંડ માટે લઇ જવામા આવ્યા હતા. જેમા પોલીસે 14 દિવસના રીમાંડ માગ્યા હતા, જ્યારે કોર્ટે 6 દિવસના રીમાન્ડ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...