સાયકલ સ્ટેન્ડ સમેટાયા:ગાંધીનગરમાં સાયકલ શેરીંગ પ્રોજેક્ટના બિન ઉપયોગી અડચણરૂપ સાયકલ સ્ટેન્ડ ઉપાડવાની કામગીરી શરૂ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયકલ શેરીંગ પ્રોજેક્ટ બંધ થયો છતાં સાયકલ સ્ટેન્ડ દૂર નહોતા કરાયા, પાંચ દિવસ પહેલા જ દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો

ગાંધીનગરમાં શહેરમાં ગુડા દ્વારા તરતો મૂકવામાં આવેલો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ યોગ્ય આયોજનના અભાવે બંધ કરી દેવાયો છતાં છલ્લા ઘણા સમયથી ઠેર ઠેર મૂકવામાં આવેલા બિન ઉપયોગી સાયકલ સ્ટેન્ડ મામલે શહેર વસાહત મહાસંઘ દ્વારા ફૂટપાથ ઉપરના અડચણરૂપ સાયકલ સ્ટેન્ડ હટાવી લેવા કલેકટર પાસે માંગ કરાઈ હતી અને દિવ્ય ભાસ્કર ડીજિટલમાં પાંચ દિવસ અગાઉ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેની અસરના ભાગરૂપે આખરે તંત્ર દ્વારા ગત રાત્રે સ્ટેન્ડ ઉપાડી લેવાની કામગીરી શરૂ કરી કરાઇ હતી.

ગાંધીનગરમાં શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નાગરિકો માટે જી બાઈકનો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કરી દસ સ્થળોએ સાયકલ સ્ટેન્ડ ઉભા કરાયા હતા. શરૂઆતમાં એટલે કે વર્ષ 2016માં ગાંધીનગરમાં 100 સાયકલો સાથે પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેને સારો એવો પ્રતિસાદ મળતાં સાયકલોની સંખ્યા 500 કરવામાં આવી હતી અને સ્ટેન્ડની સંખ્યા વધારી 30 કરવામાં આવી હતી. જે માટે સવારે 6થી 10 વાગ્યા સુધી નિશુલ્ક અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યા સુધી કલાકના રૂ. 5 ભાડાથી સાયકલ ફેરવવા અપાતી હતી.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ લોકોની તંદુરસ્તી બની રહે તે હેતુને જ કેન્દ્ર સ્થાને રાખીને પ્રોફિટનો લોસના ધોરણે જી બાઇકનું સંચાલન અને સંકલન ગુડા દ્વારા કરાયું હતું. સાથે જ બીજો મહત્વનો હેતુ ટ્રાફિકની સરળતાનો હતો. લોકો ખુબ ઓછા ખર્ચમાં ઉપલબ્ધ સાયકલ ચલાવતા રહે તેટલા મોટા વાહનોની અવર જવર ઘટવાથી ટ્રાફિક વધુ સરળ બનતો હતો. જો કે સમય જતાં યોગ્ય જાળવણીના અભાવે ઘણી સાયકલ ભંગાર હાલતમાં થઈ ગઈ હતી.

આ અંગે સૂત્રોએ કહ્યું હતું કે, સાયકલ શેરિંગની સુવિધા બંધ કરીને તેનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવ્યો નથી. કેમ કે સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં જે વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો, તે તમામ વિસ્તાર હવે કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થઇ ગયો છે. જેથી તેનું સંચાલન હવે મનપા તંત્ર દ્વારા કરવાનું રહે છે. પરંતુ કરોડોના ખર્ચે તરતો મૂકવામાં આવેલા આ પ્રોજેકટ ઉપર હાલ તો પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ત્યારે ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા સાયકલ સ્ટેન્ડના બિન ઉપયોગી કેબીનો નાગરિકો માટે સમસ્યા બની ગયા હતા.

ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર જ સાયકલ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હોવાથી નાગરિકોને ચાલવાની પણ તકલીફ પડી રહી છે. આવા સંજોગોમાં બિન ઉપયોગી સાયકલ સ્ટેન્ડ સત્વરે શહેરમાંથી દૂર કરી જગ્યા ખુલી કરવા માટે શહેર વસાહત મહા સંઘ દ્વારા કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી હતી. ત્યારે આજથી પાંચ દિવસ અગાઉ દિવ્ય ભાસ્કર ડીજિટલ દ્વારા નાગરિકોને પડતી હાલાકીને ધ્યાને રાખીને અડચણરૂપ સાયકલ સ્ટેન્ડ ઉપાડી લેવા સબબ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે અહેવાલની અસરના ભાગરૂપે તંત્ર દ્વારા ગતરાત્રે અડચણરૂપ સાયકલ સ્ટેન્ડના કેબીન ઉઠાવી લેવાની શરૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...