ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્ઞાતિ આધારિત અનામત બેઠકોનું પ્રમાણ નક્કી કરવા માટે એક સમિતિ બનાવી છે અને સમિતિનો અહેવાલ હવે પૂર્ણ થવાના આખરી તબક્કામાં છે. આ ભલામણો બાદ સરકાર દરેક પાલિકા-પંચાયતોમાં સામાન્ય, ઓબીસી, એસસી અને એસટી ઉમેદવારો માટે અનામત બેઠકોનું પ્રમાણ નક્કી કરશે.
હજુ આ મુદ્દાનો ઉકેલ આવે તે પહેલાં જ ભાજપે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે ખેડા જિલ્લા પંચાયતના નિરીક્ષક તરીકે અમરાઇવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ તથા દેવગઢ બારિયાના પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ મહારાઉલની નિમણૂંક કરી છે, જ્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના નિરીક્ષક તરીકે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલની નિયુક્તિ કરી છે.
સૂત્રો જણાવે છે કે અનામત બેઠકો નક્કી કરવા બનેલી સમિતિની ભલામણો પૂર્વે આ બન્ને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સરકાર વર્તમાનમાં અમલી અનામત પ્રમાણે કરવાની વેતરણમાં છે. જો કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટને આધીન હોવાથી તેના માટે કાયદાકીય સલાહ લેવામાં પણ આવશે.
ભાજપે શિસ્ત સમિતિની જાહેરાત કરી
ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષના નિયમોનું પાલન કરીને શિસ્ત જાળવે તે માટે પ્રદેશ અધ્યક્ષ પાટીલે શિસ્ત સમિતિનું ગઠન કર્યું છે. તેના અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયા અને અન્ય છ નેતાઓને શામેલ કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાપલટો કરાવવા મથતાં, પાર્ટીમાં રહીને વિરોધી કામ કરતાં લોકો અંગેની ફરિયાદ સાંભળી આ સમિતિ અધ્યક્ષને તેમના પર પગલાં લેવા માટે ભલામણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.