બનેવીની કરતૂત:'તારી બહેન પણ બચાવી નહીં શકે' કહીને વાવોલમાં બનેવી સાળા પર તૂટી પડ્યો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં વાવોલમાં રહેતી એક પરિણીતાનું પતિ સહિતના ચાર સાસરિયાએ વર્ષ 2014થી શારીરિક માનસિક ત્રાસ આપી જીવન દોહલું કરી દીધું હતું. ઘર કંકાસના સમાધાન અર્થે ગયેલા પરિણીતાના ભાઈને પણ બનેવી તેમજ જેઠ જેઠાણીએ ભેગા થઈને ગડદાપાટુનો માર મારી 'તારી બહેન પણ બચાવશે નહીં' તેમ કહી ફરીવાર વાવોલ આવ્યો તો મર્ડર કરી નાખવાની ધમકીઓ આપતાં સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

દંપતીને લગ્નના માત્ર 25 દિવસમાં જ ભાડે રહેવાની ફરજ પડી
અમદાવાદ ન્યુ રાણીપ ખાતે રહેતા પરિણીતાના ભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની મોટી બહેનના લગ્ન ગત તા. 12મી ડિસેમ્બર 2014ના રોજ બાપુનગરનાં યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ તેની બહેન સાસરીમાં રહેવા ગઈ હતી, પરંતુ યુવકના પરિવારજનો તેને સારી રીતે રાખતા ન હોવાથી દંપતીને લગ્નના માત્ર 25 દિવસમાં જ ન્યુ રાણીપ ખાતે ભાડેથી રહેવાની ફરજ પડી હતી.

પરિણીતાએ વર્ષ 2021માં વાવોલમાં ઘર ખરીદ્યું
આ સમયે યુવકનો બિઝનેસ સારો નહીં ચાલતાં પરિણીતાએ બધો ખર્ચો કાઢી પતિને પણ પૈસા આપતી હતી. પરંતુ પૈસાની માંગણી નહીં સંતોષાય ત્યારે યુવક ઝગડા કરી મારઝૂડ કરતો હતો. અંતે કંટાળીને પરિણીતાએ વર્ષ 2021માં ગાંધીનગરના વાવોલમાં ઘર ખરીદીને રહેવા આવી ગઈ હતી. અહીં પણ યુવક કામ ધંધો કરતો નહીં અને શારીરિક માનસિક ત્રાસ આપતો રહેતો હતો.

પિયરીયાઓએ દંપતી વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો
ગત તા. બીજી સપ્ટેમ્બરના રોજ પરિણીતાએ તેના ભાઈને ફોન કરીને કહેલું કે, તેની નણંદ તથા જેઠ મારા ઘરે આવ્યા છે અને મારી સાથે ઝગડો તકરાર કરે છે. જેથી સાંજના સાડા ચાર વાગે બધા પિયરનાં લોકો વાવોલ આવી દંપતી વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાસરિયાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગ્યાં હતાં અને બનેવી સહિતના લોકો સાળાને ઘેરી વળી નીચે પાડી ગડદાપાટુનો ઢોર માર મારતાં ફરી વળ્યાં હતા. આ અંગે પરિણીતાના ભાઈએ સેકટર - 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...