તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીએ પાટીદાર-OBC સમીકરણો સાચવ્યાં:વિધાનસભા ચૂંટણી ધ્યાને રાખી પાટીદાર મુખ્યમંત્રી હોવાની માંગણીને બેલેન્સ કરી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લઈ રહેલા જમણે પરસોત્તમ રૂપાલા અને ડાબે મનસુખ માંડવિયાની તસવીર - Divya Bhaskar
કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લઈ રહેલા જમણે પરસોત્તમ રૂપાલા અને ડાબે મનસુખ માંડવિયાની તસવીર
  • મોદીના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના કડવા પટેલ રૂપાલા, લેઉવા પાટીદાર માંડવિયાને કેબિનેટ મંત્રી બનાવાયા
  • પાટીદાર અને ઓબીસી સમાજને ખેંચવાનો આમ આદમી પાર્ટીનો દાવ ઊંધો પાડ્યો

હવે ગુજરાતમાંથી ચૂંટાયેલાં કુલ સાત સાંસદો કેન્દ્રીય મંત્રી છે અને આ સમગ્ર વ્યૂહરચના નરેન્દ્ર મોદીએ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કરી છે તેવું સ્પષ્ટ વર્તાય છે. ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપની મુખ્ય વોટબેંક રહ્યો છે. આ સમાજમાંથી થોડા સમય પહેલાં પોતાનો મુખ્યમંત્રી હોવો જોઇએ તેવી માંગ ઊઠી હતી. તેની હવા મોદીએ સૌરાષ્ટ્રના કડવા પાટીદાર નેતા પરસોત્તમ રૂપાલા અને લેઉવા પાટીદાર નેતા મનસુખ માંડવિયાને કેબિનેટ કક્ષાએ પ્રમોટ કરીને કાઢી નાંખી છે.

ભાજપ હવે પાળ બાંધી રહ્યું છે
કેબિનેટ કક્ષાના મંત્રીનું પદ આમ તો રાજ્યના મુખ્યમંત્રીને સમકક્ષ ગણાય છે, તેથી મુખ્યમંત્રી કક્ષાએ ગુજરાત ભાજપના બે નેતાઓને બેસાડ્યાં છે અને તે અગાઉથી જ નાયબ મુખ્યમંત્રી તરીકેનું મહત્ત્વનું પદ નીતિન પટેલને પહેલેથી જ મળેલું છે. 2017ની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનોની વિપરીત પરિસ્થિતિનો સામનો કરી ચૂકેલું ભાજપ હવે પાણી પહેલા પાળ બાંધી રહ્યું છે. આ ઉપરાંત ખેડાના સાંસદ અને ઠાકોર નેતા દેવુંસિંહ ચૌહાણ અને કોળી સમાજના શિક્ષિત ચહેરા ડો. મહેન્દ્ર મુંજપરાને મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનો હવાલો અપાયો છે. આમ વિધાનસભા ચૂંટણીમાં આ બંને સમાજને પણ સાચવી લેવાનો વ્યૂહ અપનાવ્યો છે.

મંત્રીમંડળમાં આ ચહેરા કેમ, તેનાથી શું થશે

  • પરસોત્તમ રૂપાલા: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર નેતા સામાજિક ઉપરાંત પક્ષના રાજકીય સમીકરણોમામહત્ત્વની ભૂમિકા ભજવે છે.
  • મનસુખ માંડવીયા: સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આ યુવાન નેતા પ્રગતિશીલ વિચારધારાના છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના મત ઓછામાં ઓછી ત્રીસ બેઠકો પર પ્રભુત્ત્વ ધરાવે છે. મુખ્યમંત્રી પદ માટે પાટીદાર હોવા જોઇએ તેવી માંગ દબાઇ જશે.
  • દર્શના જરદોશ: સુરતના મહિલા સાંસદને અહીં રાજ્યકક્ષાના મંત્રી બનાવાયાં છે અને તેઓ ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલના હરિફ જૂથના ગણાય છે. તેમને ટેક્સટાઈલ અને રેલવે જેવા મહત્ત્વના ખાતાં મળતાં પાટીલ સામે તેનું મહત્ત્વ વધશે.
  • મહેન્દ્ર મુંજપરા: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ઓછામાં ઓછી 45 બેઠકો પર કોળી મતદાતાઓ નિર્ણાયક છે. મુંજપરા શિક્ષિત કોળી નેતા તરીકે કેન્દ્રમાં મંત્રી બન્યા હોવાથી આ સમાજના યુવાન મતદાતાઓને આકર્ષી શકે છે. કોળીસમાજમાં પરસોત્તમ સોલંકીનો વિકલ્પ બનશે.
  • દેવુસિંહ ચૌહાણ: મધ્યગુજરાતના ઠાકોર સમાજના આ નેતાને મંત્રી બનાવવાથી ગઇ ચૂંટણીમાં મધ્યગુજરાતમાં ઠાકોર સમાજે કોંગ્રેસ તરફી વલણ અપનાવ્યું હતું તે નુક્સાન સરભર થઇ શકશે.

પ્રાદેશિક સમીકરણ સચવાયું
મોદીના નેતૃત્વવાળી સરકારમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતને 2014થી પ્રતિનિધિત્વ ન હતું. હવે ખેડાના સાંસદ દેવુસિંહ અને સુરતના સાંસદ દર્શના જરદોશને મંત્રી બનાવીને આ અવકાશ મોદીએ ભરી દીધો છે. સાથે જ આમ આદમી પાર્ટીના પાટીદાર અને ઓબીસી સમાજને ખેચવાના પ્રયત્નો પણ નિષ્ફળ બનાવ્યાં છે.

રાજ્યમાં આ જ રીતે વિસ્તરણ
કેન્દ્રમાં અમુક સિનિયર મંત્રીઓને પડતાં મૂકી યુવાન ચહેરાઓને તક અપાઇ છે. આ જ તર્જ પર તમામ સમીકરણોનું સંતુલન રાખી ઉત્તરપ્રદેશમાં અને ગુજરાતમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

અન્ય સમાચારો પણ છે...