તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન મંજૂર:ગાંધીનગરમાં ધાડનાં ગુનાને અંજામ આપવા આવેલી નામચીન બસ્તી ખાન પઠાણની ગેંગના એક આરોપીના જામીન મંજૂર

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ખોટી રીતે ગુનામાં સંડોવી દેવામાં આવ્યો હોવાની વકીલની દલીલોને કોર્ટે માન્ય રાખી

તાજેતરમાં ગાંધીનગરનાં સેકટર-8 પાસેથી એલસીબી દ્વારા અમદાવાદના ગેંગસ્ટર બસ્તીખાન ગેંગના છ આરોપીઓ પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપીના વકીલે કોર્ટમાં સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા સાથે દલીલ કરી હતી કે બનાવ સમયે આરોપી ઘરે હાજર હતો અને સેકટર-8માં તેની કાર લેવા જતાં પોલીસ દ્વારા ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવાયો હોવાથી જામીન ઉપર મુક્ત કરવામાં આવે. જેનાં પગલે આજે કોર્ટ દ્વારા વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીના જામીન મંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં થોડા દિવસો અગાઉ રૂપિયાની લેતી દેતી બાબતે અમદાવાદના ગેંગસ્ટર બસ્તી ખાન પઠાણ સહિતની ગેંગ સેકટર-8 સેંટ ઝેવિયર્સ સ્કૂલ નજીક ભેગી થઈ હતી. જેને ક્રાઇમ બ્રાંચે ત્રાટકીને છ આરોપીને ઝડપી લીધા હતા. પણ ગેંગસ્ટર બસ્તી ખાન નાસી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે પકડાયેલા આરોપીઓ પાસેથી હથિયારો સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યારે એલસીબીની ટીમે આરોપી નં-6 તરીકે કુડાસણના રાધે હોમ્સ ખાતે રહેતા નીકીન કાનજીભાઈ પટેલને પણ દર્શાવ્યો હતો.

બીજી તરફ આરોપી નીકીન પટેલના વકીલ ધવલ મહેતાએ ગાંધીનગર સેસન્સ કોર્ટમાં તેની જામીન અરજી મૂકવામાં આવી હતી. જે કેસની સુનાવણી થતાં વકીલ ધવલ મહેતાએ દલીલો કરી હતી કે, પોલીસના પેપર પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે આ સાગરીતોને સેન્ટ ઝેવિયર્સ શાળા પાસેથી પકડવામાં આવ્યા છે. ત્યારે નીકીન પટેલ આ સમયે તેના ઘરે હાજર હતો. ગત તા. 22 એપ્રિલના રોજ સવારે તે તેની કાર લઈને અરણ્યભવનના પાછળના ભાગે આવેલીચાની કીટલી ઉપર હતો અને ત્યાંથી અન્ય મિત્રની કારમાં સે-21 ખાતે ગયો હતો. ત્યારબાદ તેનો મિત્ર તેને બપોરે જમવા માટે કુડાસણ સ્થિત ઘરે મુકી ગયો હતો. જયાં આરામ કર્યા બાદ નીકીનને તેનો મિત્ર સાજે પોણા પાંચ વાગે ઘરે લેવા માટે આવ્યો હતો અને ત્યાંથી અરણ્યભવન પાસે જતાં પોલીસ તેની કારને ટોઈંગ કરતી હતી.

તે વખતે નીકીને આ કાર તેની હોવાનું કહેતાં પોલીસે તેને પણ આરોપી તરીકે દર્શાવી દીધો છે. જે ઘરે હોવાના પુરાવાના ભાગરૂપે કોર્ટમાં વસાહતના સીસીટીવી ફુટેજ પણ રજુ કરીને આ ગુનામાં પોલીસે ખોટી રીતે નીકીનને સંડોવ્યો હોવાની ધારદાર દલીલ કરીને જામીન માટેની વકીલ ધવલ મહેતાએ માંગણી કરી હતી.

જેમની દલીલોને સંભાળ્યા બાદ કોર્ટે અવલોકન કર્યું હતું કે, હાલના અરજદાર આરોપી ઉપર જે આક્ષેપ છે તે જોતા હાલના અરજદાર આરોપી જેની ઉપર હુમલો અને લૂંટ કરવાની તૈયારી કરવાનો કેસ છે તે દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા નામના માણસથી પરિચિત હોય કે તેની સાથે અદાવત કે લેણદેણ હોય તેવું જણાતું નથી.

આ કેસના અન્ય આરોપી અફઝલ આ કેસના અરજદાર આરોપીનો મિત્ર હોવાનું અને તેણે હાલના અરજદાર આરોપી નિકીન પટેલને આગલા દિવસે મળી આવતીકાલે ચ-3 અરણયભવન ખાતે આવવાનું અને એક મોટું કામ કરવાનું છે એવું જણાવેલું તે સમયે હાલના અરજદાર આરોપીને લૂંટ કે અન્ય કોઈ ગુનો કરવા જવાનું હોવાનું જણાવ્યાનુ તપાસના કાગળોમાં જણાઈ આવતું નથી અને આરોપીના જામીન મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...