તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોતે કહ્યું ને પોતે ભૂલ્યાં!:બહુચરાજી રેઇલ કંપની રિનોવેશન પાછળ 6 કરોડનો ધુમાડો કરશે; કોરોનામાં સરકારે બિનજરૂરી ખર્ચ નહીં કરવા હુકમ કર્યો હતો

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે રકમમાં ગરીબોનાં 85 મકાન બની જાય તે રકમમાં માત્ર ઇન્ટિરિયર અને ફર્નિચર કરી ઓફિસને સજાવવામાં આવશે

ગુજરાત સરકારે કોરોનાકાળ દરમિયાન બજેટમાં વિક્ષેપ ન પડે તે માટે મોટું ભંડોળ આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચાય અને નાણાંનો બિનજરૂરી વ્યય ન થાય તે માટે હુકમો બહાર પાડ્યાં છે. તેમાં સરકારી મંત્રીઓ કે અધિકારીઓએ આવાસ તેમજ કચેરીઓમાં મરામતના ખોટાં ખર્ચ તથા વાહન ખરીદીના ખર્ચ ટાળવાં જણાવ્યું છે. પરંતુ રાજ્ય સરકારની જ બહુચરાજી રેઇલ કોર્પોરેશન લિમિટેડે પોતાની કચેરીના ઇન્ટિરિયર અને ફર્નિચરના કામ માટે અંદાજે છ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે.

આ ખર્ચમાં કોઇ નવી જમીન ખરીદીને ઓફિસ બનાવવાની નથી, સરકાર હસ્તકના ગાંધીનગરમાં આવેલા ઉદ્યોગભવનની અંદર આવેલી આ સ્પેશિયલ પર્પઝ વેહિકલની ઓફિસની સાજ-સજાવટ જ કરવાની છે. હાલ ગુજરાત સરકાર સાત લાખ રૂપિયામાં ગરીબ આવાસનું નિર્માણ કરે છે, અને આ કચેરીની સાજ-સજાવટ માટેના ખર્ચ પાછળ જ છ કરોડ રૂપિયા ખર્ચાશે. આટલાં બજેટમાં 85 ગરીબોને મકાન મળી જાય.

બહુચરાજી-માંડલ-વિઠ્ઠલાપુર સ્પેશિયલ ઇકોનોમિક રિજિયન માટે બનાવાયેલાં આ ખાસ રેલ કોરિડોરમાં કટોસણ રોડથી રણુજ વચ્ચે બ્રોડગેજ રેલવે લાઇન નખાવાની છે. 528 કરોડ રૂપિયાના માતબર રકમની મૂડી ધરાવતાં સ્પેશિયલ પર્પઝ વેહિકલ બહુચરાજી રેઇલ કોર્પોરેશન લિમિટેડની આ માટે રચના કરી છે. જેમાં ગુજરાત સરકારનો હિસ્સો 111 કરોડ, રેલ મંત્રાલયનો 106 કરોડ, મારુતિ સુઝુકી લિમિટેડનો 175 કરોડ જ્યારે જીઆઇડીસીનો હિસ્સો 137 કરોડનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થાય એટલે આ કચેરીને પણ તાળું વાગી જશે અને આ છ કરોડના ખર્ચે સજાવેલી કચેરી બાદમાં કોઇ કામમાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...