ફરિયાદ:શ્રી શરણમ સોસાયટીમાં કૂતરાના કારણે 2 પરિવાર વચ્ચે બબાલ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે યુવક કૂતરો લઈ નીકળતાં સોસાયટીમાં રમતાં બાળકો તરફ દોડ્યો, ડરી જતાં બબાલ થઈ હતી, સામસામે ફરિયાદ નોંધાઇ

સરગાસણમા આવેલી શ્રી શરણમ સોસાયટીમા રહેતા પરિવારો વચ્ચે કુતરાના કારણે બબાલ થઇ હતી. સોસાયટીમા રહેતો યુવક પાલતુ કુતરુ લઇને નીકળતા સોસાયટીમા રમતા બાળકો ડરી ગયા હતા. આ બાબતને લઇને બબાલ થઇ હતી. જેથી અડાલજ પોલીસમા સામસામે ફરિયાદ નોંધાઇ હતી. શ્રી શરણમ સોસાયટીમાં રહેતા નિપાબેન કૌશિકભાઇ પટેલની ફરિયાદ મુજબ ગત 1લી જુનની રાત્રિએ મારો ભાણિયો નેહ અને તેનો મિત્ર દિપક રબારી પાલતુ કુતરાને લઇને બહાર જઇ રહ્યા હતા. તે દરમિયાન કુતરો સોસાયટીમા રમતા બાળકો તરફ દોડ્યો હતો.

જેને લઇને બાળકોએ બુમરાણ મચાવતા બાળકોના સ્વજનો દોડી આવ્યા હતા. ફ્લેટમા રહેતા અનિલ નમેરા, પિયુષ કલ્યાણીએ મારો હાથ પકડી મને લીફ્ટમાંથી બહાર કાઢ્યો હતો. હું અને મારા સબંધીઓ સાથે અનિલભાઇના ઘરે ગયા હતા. જેથી તેમની પત્નિએ અમને ગાળો બોલી ધમકીઓ આપી હતી. જેથી અનિલ નમેરા, લલીતા નમેરા, જગદીશ નમેરા, બકાભાઇ ચંન્દ્રકાંત પટેલ અને પિયુષ કલ્યાણી સામે અડાલજ પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ લલીતાબેન અનિલભાઇ નમેરાએ ફરિયાદ નોંધાવી હતી કે, અમારી સોસાયટીમા રહેતા નિપાબેનનુ પાલતુ કુતરુ સોસાયટીમા નીચે રમતા બાળકો સામે એકદમ દોડવા લાગ્યુ હતુ. જેથી બાળકો ડરી જતા બુમરાણ મચાવી હતી. જેથી કુતરુ લઇને નિકળેલા યુવકને કિરીટભાઇ ગુસાણીએ ઠપકો આપ્યો હતો.

ત્યારપછી નિલ અને તેની મમ્મી નિપાબેને માફી માગી હતી. પરંતુ બીજા દિવસે રાત્રિના સમયે નિપાબેન તેમના નણંદ હેમાંગીબેન સહિતના લોકો મારા ઘરે આવી ગાળાગાળી કરી અમને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી નિપાબેન કૌશિકભાઇ પટેલ, નેહ જીજ્ઞેશ પટેલ, દિપક લલ્લુ રબારી, હાર્દિક પટેલ, ધારા હાર્દિક પટેલ, જીજ્ઞેશ પટેલ અને હેમાંગી પટેલ સામે અડાલજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...