હુમલો:ડભોડાની જમીનમાં ભાગ લેવા ગયેલા યુવક પર હુમલો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાકાના દીકરાએ એકાએક મારામારી કરી

ડભોડામાં સહિયારી જમીનમાં ભાગ બાબતની વાતચીત કરવા ગયેલા યુવક ઉપર તેના જ પિતરાઇ ભાઇઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હાલ કલોલ તાલુકાના ગામમાં રહેતો યુવક તેના કાકા પાસે જમીનના ભાગ બાબતની વાત કરતો હતો. ત્યારે જ કાકાના દીકરાઓએ મારામારી કરી હતી. જેમાં યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યારે હુમલાખોર સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

નરેશકુમાર કાનાજી સોલંકી (હાલ રહે, રાચરડા, કલોલ. મૂળ રહે, ડભોડા) કડિયાકામ કરે છે. ત્યારે શુક્રવારે સવારના સમયે વતનમાં આવ્યો હતો. ત્યારે તેની બાજુમાં રહેતા કાકા બદાજી રામાજી સોલંકીના ઘરે જઇને ડભોડાની સીમમાં આવેલી સહિયારી જમીન બાબતે ભાગની વાત કરી રહ્યો હતો. તે સમયે કાકાનો દીકરો હસમુખ બળદેવજી સોલંકી આવ્યો હતો.

તને કાઇ જમીનમાં ભાગ મળે નહીં તેમ કહેતા ઉશ્કેરાઇ ગયો હતો અને મારામારી કરવા લાગ્યો હતો. તે દરમિયાન તેનો ભાઇ મહેશ બળદેવજી સોલંકી પણ આવ્યો હતો અને તે પણ મારામારી કરવા લાગ્યો હતો. ધોકાથી હુમલો કરતા માથામાં અને કપાળ ઉપર ઇજા થતા લોહી નિકળવા લાગ્યુ હતુ. બબાલ મોટી થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે મારામારી કરી આરોપીઓ ધમકી આપી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને ડભોડા સારવાર કેન્દ્રમા લઇ જવાયો હતો. બે ભાઇ હસમુખ અને મહેશ સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...