પોલીસ સ્ટેશનમાં લાફાવાળી:ગાંધીનગર શહેર પોલીસ મથકમાં જ જમાદારે મહિલા કોન્સ્ટેબલને લાફા ઝીંકી દીધા, તાજેતરમાં પણ માણસાના બે જમાદાર બાખડયા હતા

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાતચીત દરમિયાન જમાદાર એકદમ આવેશમાં આવી ગયા અને અચાનક મહિલા કોન્સ્ટેબલને લાફા ઝીંકી દીધા

ગાંધીનગરનાં એક પોલીસ મથકમાં એક જમાદારે અંગત કારણોસર મહિલા કોન્સ્ટેબલને પોલીસ મથકમાં જ લાફા ઝીકી દઈ પોતાનો ગુસ્સો શાંત કર્યો હતો. ત્યારે તાજેતરમાં પણ માણસા પોલીસ મથકના બે જમાદાર સામ સામે આવી જતાં આજ પોલીસ મથકમાં એનસી ફરિયાદ પણ દાખલ થયેલી છે.

ગાંધીનગર શહેર પોલીસ મથકમાં હિન્દી ફિલ્મી હીરોનું નામ ધરાવતા જમાદાર પોલીસની હાજરી બાબતની કામગીરી કરી રહ્યા છે. જ્યારે આજ પોલીસ મથકમાં હિન્દી ફિલ્મની જાણીતી હિરોઈનનું નામ ધરાવતી મહિલા કોન્સ્ટેબલ પણ ફરજ બજાવે છે. સામાન્ય રીતે પોલીસ મથકમાં હાજરી માસ્તરનો પોલીસ મથકમાં દબદબો રહેતો હોય છે.

જેનું મુખ્ય કારણ હાજરી માસ્તર જ આખા પોલીસ મથકના કર્મચારીઓની ડયુટીનું સમય પત્રક નક્કી કરતા હોય છે. આવા જ એક ફિલ્મી હીરોનું નામ ધરાવતા જમાદાર શહેરના પોલીસ મથકમાં ફરજ બજાવે છે. તાજેતરમાં પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ પોત પોતાની કામગીરીમાં વ્યસ્ત હતો. એ દરમિયાન આ જમાદાર એક મહિલા કોન્સ્ટેબલ સાથે ગુફતગુ કરી રહ્યા હતા.

આ રોજનું હોવાથી કોઈ કર્મચારીએ તેમની સામે કોઈ ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. પરંતુ બંને વચ્ચેનો વાર્તાલાપ ધીમે ધીમે જોરશોરથી થવા લાગ્યો હતો. અને જોત જોતામાં બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થવા લાગી હતી. બન્ને અંગત કારણોસર બાખડી રહ્યા હોવાથી કોઈ વચ્ચે પણ પડયું હતું. ત્યારે જમાદાર એકદમ આવેશમાં આવી ગયા હતા. અને અચાનક મહિલા કોન્સ્ટેબલને લાફા ઝીંકી દીધા હતા.

આ જોઈ હાજર સૌ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને અધિકારીને પણ દોડી આવવાની ફરજ પડી હતી. બધાએ વચ્ચે પડી જમાદાર અને મહિલા કોન્સ્ટેબલનાં ઝગડાને શાંત કરાવ્યો હતો. પરંતુ જમાદારે જે રીતે મહિલાને લાફા માર્યા હતા તે વાત પોલીસ મથકની બહાર પોલીસ બેડામાં ચર્ચાવા માંડી છે.

ઉલ્લેખનીય છે કે, માણસા પોલીસ મથક ના બે જમાદાર વચ્ચે માથાકૂટ થઇ હતી અને સમગ્ર મામલો એન સી ફરિયાદ સુધી પહોંચી જવા પામ્યો છે. ત્યારે વધુ એક ઘટના શહેરનાં પોલીસ મથકમાં બનતા હીરો હિરોઈનના નામ ધરાવતા જમાદાર-મહિલા કોન્સ્ટેબલની અંગત ચર્ચાઓ ચગડોળે ચડી છે.

અન્ય સમાચારો પણ છે...