"સૌ ભણે સૌ આગળ વધે":RTE હેઠળ ત્રીજા રાઉન્ડના અંતે રાજ્યના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો, છઠ્ઠી જૂન સુધીમાં એડમિશન નિયત કરાવવું પડશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને રાઉન્ડના અંતે કુલ 62 હજાર 895 વિદ્યાર્થીઓએ શાળાઓમાં રૂબરૂ જઈ પ્રવેશ સુનિશ્ચિત કર્યો

ગરીબ વર્ગના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ એડમિશન આપવાની યોજના અમલમાં મુકાઈ છે. જેના અન્વયે ત્રીજા રાઉન્ડનાં અંતે એટલે કે તા. 26થી 28 મે દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓમાં ગુજરાત રાજ્યના 2 હજાર 132 વિદ્યાર્થીઓને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો છે.

RTE ACT-2009 અન્વયે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 58 હજાર 347 તથા બીજા રાઉન્ડમાં 4548 એમ બંને રાઉન્ડના અંતે એકંદરે કુલ 62 હજાર 895 જેટલાં વિદ્યાર્થીઓએ જે તે શાળાઓમાં રૂબરૂ જઈ પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે.

આ જગ્યાઓ પર વધુને વધુ નબળા તથા વંચિત જૂથના બાળકોને RTE એક્ટ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહેલાં અને માન્ય અરજી ધરાવતા 1 લાખ 5 હજાર 644 અરજદારોને ત્રીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુન: પસંદગીની તક 26 મે 2022થી 28 મે 2022 દરમિયાન આપવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન કુલ 52 હજાર 687 અરજદારોએ શાળાઓની પુન: પસંદગી કરી હતી. જ્યારે બાકીના 52 હજાર 957 અરજદારોએ અગાઉ દર્શાવેલી શાળાઓ યથાવત રાખી હતી. RTE એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડમાં વધુ 2132 જેટલાં બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

જ્યારે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 6 હજાર 495 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતીમાં 728, અંગ્રેજીમાં 4470, હિન્દીમાં 1189 અને અન્ય માધ્યમમાં 108 જગ્યાઓનો સમાવેશ થાય છે તેમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું હતું.

ઉપરાંત ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ તા. 6 જૂન 2022 સોમવાર સુધીમાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવવાનો રહેશે. રાજ્યમાં શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન કુલ 9955 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદાં-જુદાં માધ્યમમાં કુલ 71 હજાર 396 જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.

અન્ય સમાચારો પણ છે...