• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • At Sector 24 Of Gandhinagar, Firecrackers Also Exploded In The Parlor, Fire Broke Out In The Residential Area, And The Lives Of The Settlers Were Lost.

મોટી દુર્ઘટના ટળી:ગાંધીનગરના સેકટર - 24 ખાતે પાર્લરમાં આગ લાગતા ધાણીફૂટ ફટાકડા પણ ફૂટયા, રહેણાંક વિસ્તારમાં આગ લાગતાં વસાહતીઓના જીવ તાળવે ચોટ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • ડબલ ડેકર રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો બાંધી દેવાઈ છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં
  • ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સમયસર કામગીરી કરતાં મોટી દુર્ઘટના ટળી

ગાંધીનગરના સેકટર - 24 માં આવેલ ડબલ ડેકર વિસ્તારના એક રહેણાંક મકાનની નીચે આવેલા સધી પાર્લરમાં અચાનક આગ લાગતાં અંદર રાખવામાં આવેલા ફટાકડા પણ ધાણીફૂટ માફક ફૂટવા લાગ્યા હતા. જેનાં કારણે અત્રેના વસાહતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. દુકાનમાં આગ લાગતાં જ ફટાકડા ફૂટવા લાગતાં આસપાસના લોકોએ ડોલથી પાણી ભરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી જઈ આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના ઘટતા અટકાવી દીધી હતી.

ડબલ ડેકર રહેણાંક વિસ્તાર ગાંધીનગરનો ગીચ વસ્તી ધરાવતો એરિયા છે
ગાંધીનગરમાં એક તરફ ગેરકાયદેસર લારી ગલ્લાઓ પર તંત્ર દ્વારા ઘોંસ બોલાવી દેવામાં આવી રહી છે. હમણાં થોડા દિવસ અગાઉ જ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા સેકટર - 16 માં આવેલી દાદીસા હોટલની ગેરકાયદેસર સીડીનું બાંધકામ દુર કરી દેવાયું હતું. જ્યારે અત્રેના વિસ્તારમાં જ અનેક વેપારીઓએ ગેરકાયદેસર બાંધકામો કર્યાની બૂમરાણ ઉઠવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. એમાંય સેકટર - 24 ડબલ ડેકર રહેણાંક વિસ્તાર ગાંધીનગરનો ગીચ વસ્તી ધરાવતો એરિયા છે. અહીં પણ રહેણાંક મકાનોમાં દુકાનો બાંધી દેવાયા છે. જેનાં કારણે ઘણીવાર નાની મોટી દુર્ઘટના ઘટતી રહેતી હોય છે.

રહેણાંક મકાનની નીચે આવેલા સધી પાર્લરમાં આગ લાગી
આજે પણ અત્રેના એક રહેણાંક મકાનની નીચે આવેલા સધી પાર્લરમાં અચાનક જ આગ લાગી હતી. જેનાં કારણે દુકાનમાંથી બહાર નીકળીને સંચાલકે પોતાનો જીવ બચાવી લીધો હતો. જો કે જોતજોતામાં દુકાનમાંથી ધાણીફૂટ ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું હતું. જેનાં કારણે આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા. અને ડોલ વડે પાણી છાંટીને આગ ઓલવવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો.

દુકાનમાં ફટાકડા ફૂટવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
ત્યારે દુકાનમાં ફટાકડા ફૂટવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં કારણે વસાહતીઓનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ખોડીદાન ગઢવીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લઈ મોટી દુર્ઘટના ઘટતા અટકાવી દીધી હતી.

દુકાનમાં ફટાકડા પણ રાખવામાં આવ્યા હતા: ફાયર ઓફિસર ગઢવી
આ અંગે ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે દુકાનમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ દુકાનમાં ફટાકડા પણ રાખવામાં આવેલા હતા. જેનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં પાર્લરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે સત્વરે આગ પર કાબુ મેળવી લેવાયો છે. અને મોટી આગની દુર્ઘટના ઘટતા અટકાવી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...