ગાંધીનગરના લેકાવાડા ગામે મધરાત્રે ઘર આગળ ખાટલામાં સૂઈ રહેલી મહિલા ઉપર અજાણ્યા ઈસમે ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે હૂમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા સમયસૂચકતા વાપરીને નીચે નમી જતાં તેણીના કપાળના ભાગે હથિયાર વાગતાં જીવ બચી ગયો હતો, પરંતુ ઈજા પહોંચી હતી જેથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના લેકાવાડા ગામના પાદરવાસમાં રહેતા ચંપાબેન મનસુખભાઈ દંતાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિ સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા થયા પછીથી તેઓ પિયરમાં રહે છે. આ દરમિયાન ગઈકાલે મધરાત્રે દોઢેક વાગ્યા બાદ ઘરની બહાર ભાઈ અને ભાભી પાસે ખાટલામાં સૂઈ ગયા હતા.
બે વાગ્યાના અરસામાં અચાનક અવાજ આવતાં ચંપાબેન એકદમ ઉઠી ગયા હતા. એ વખતે પાતળા બાંધાનો કાળો શર્ટ પહેરેલો એક ઈસમ ખાટલા પાસે ઉભો હતો. હજી ચંપાબેન કઈ સમજે વિચારે એ પહેલાં જ અજાણ્યા ઈસમે તેની પાસેના ચાકુ જેવા ઘાતક હથિયાર વડે હૂમલો કર્યો હતો. જેથી ચંપાબેન નીચે નમી જતાં હથિયારનો ઘા તેમના કપાળના ભાગે વાગ્યો હતો અને લોહી વહેવા લાગ્યું હતું. આથી ચંપાબેને બૂમાબૂમ કરતા તેમના ભાઈ અને ભાભી સહિતના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા. જેથી અજાણ્યો ઈસમ ઘરની પાસેની દિવાલ કૂદીને અંધારામાં ભાગી ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં ચંપાબેનને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં કપાળના ભાગે ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી.
આ અંગે ચીલોડા પોલીસ મથકના પીએસઆઈ નયનાબેન પરમારે જણાવ્યું હતું કે, ચંપાબેનનાં પિતાને જમીનની તકરારનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેથી નટુજી બાદરજી વાઘેલાએ અજાણ્યા ઈસમને મોકલ્યો હોવાની ચંપાબેને શંકા વ્યક્ત કરી છે. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.