લાંચિયા કર્મચારીની સંપત્તિ સીઝ:ગાંધીનગરમાં ગુડા એકમના લાંચીયા ટાઉન પ્લાનર નયન મહેતાનાં પાંચ લોકરમાંથી મળેલી 81.27 લાખની સંપત્તિ સીઝ કરાઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24.60 લાખ રોકડ તેમજ સોના ચાંદી અને પ્લેટીનમનાં દાગીના, કેનેડિયન ડોલર લોકરમાં સંતાડી રાખ્યા હતા
  • પ્લોટના ફાઈનલ માપની અવેજીમાં 15 લાખની લાંચ લેતાં ઝડપાયો હતો

ગાંધીનગર સેકટર-10માં આવેલા મુખ્ય નગર નિયોજકની કચેરીનો ઈન્ચાર્જ ટાઉન પ્લાનર નયનનટવરલાલ મહેતા અને પ્લાનીંગ આસીસ્ટન્ટ સંજય ખુમાનસિંહ હઠીલા 15 લાખની લાંચના છંટકામાં આબાદ રીતે એસીબીના સકંજામાં ઝડપાઈ ગયા હતા. ત્યારે ટાઉન પ્લાનર નયન મહેતાનાં રિમાન્ડ દરમ્યાન એસીબીએ તેના અને તેની પત્ની પુત્રીના કુલ પાંચ બેંક લોકરની તપાસ કરવામાં આવતા 24.60 લાખ રોકડા, સોના ચાંદી અને પ્લેટીનમનાં દાગીના, કેનેડિયન ડોલર મળીને 81.27 લાખની સંપતિ મળી આવતાં લોકરો સીઝ કરી દેવામાં આવ્યા છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદીના પત્નીના શેરથા ગામ ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટના પઝેશન ગાંધીનગર કલેક્ટર દ્વારા ગાંધીનગરએ સોંપેલ હતા. જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરેલ હતી. આ બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે મોકલી અપાઈ હતી.

જે અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા ટાઉન પ્લાનર નયન નટવરલાલ મહેતા પાસે હોવાથી બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.15 લાખની માંગણી કરવામાં આવી હતી. જે હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધેલ અને ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીના મદદનીશ નિયામક આશુતોષ કે.પરમારનાં સુપરવિઝન હેઠળ ગાંધીનગર એસીબી પીઆઈ એચ.બી.ચાવડા સહિતની ટીમે કચેરી ખાતે લાંચની ટ્રેપ ગોઠવી હતી.

જે અન્વયે આ છટકામાં પ્લાનીંગ આસીસ્ટન્ટ સંજય ખુમાનસિંહ હઠીલા ફરિયાદી પાસેથી એક લાખ અને બાકીના 14 લાખ લેતા ટાઉન પ્લાનર નયન નટવરલાલ મહેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેનાં કહેવાથી જ પ્લાનીંગ આસીસ્ટન્ટ સંજય લાંચની રકમ સ્વીકારી હતી.

નોંધનીય છે કે, ટાઉન પ્લાનર નયનનટવરલાલ મહેતા પાસે ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમનો ચાર્જ હતો. અને લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

બાદમાં એસીબીએ નયન મહેતાનાં ઘરની ઝડતી લેતા 4 લાખ 22 હજાર 100 રોકડા મળી આવ્યા હતા અને નયનને કોર્ટમાં રજૂ રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરાયો હતો.

એસીબીની પૂછતાંછમાં નયન મહેતા, તેની પત્ની અને પુત્રીના નામે પાંચ લોકર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેનાં પગલે એસીબીની ટીમે પાંચેય લોકરની ચકાસણી કરતાં યુનિયન અને બેંક ઓફ બરોડાનાં લોકરમાંથી 24 લાખ 60 હજાર 115 રોકડા તેમજ 47 લાખ 91 હજાર 130ની કિંમતના સોનાના દાગીના, ચાંદીના દાગીના કી. રૂ. 2 લાખ 5 હજાર 525, પ્લેટીનમનાં 6 લાખ 70 હજાર 850 ના દાગીના, 100 કેનેડિયન ડોલરની 5 નોટ મળીને કુલ 81 લાખ 27 હજાર 620ની મત્તા મળી આવી હતી. જેનાં પગલે એસીબીએ આ તમામ મત્તા સીઝ કરી દેવામાં આવી છે.

6.70 લાખના પ્લેટિનમના દાગીના મળ્યા
નયન મહેતાએ પત્ની અને પુત્રીના નામે અલગ અલગ બેંકમાં 5 લોકર રાખ્યાં હતાં, જેમાં 3 લોકર એસબીઆઈ, એક યુનિયન બેંક અને બેંક ઓફ બરોડામાંથી મળ્યાં હતાં. લોકરમાંથી 24.60 લાખ રોકડા, 47.91 લાખના સોનાના દાગીના, 2.05 લાખના ચાંદીના દાગીના, 6.70 લાખના પ્લેટિનમના દાગીના, 100 કેનેડિયન ડોલરની 5 નોટ મળી આવી હતી.

સગાંના નામે મિલકતો લીધી હોવાની તપાસ થશે
ગાંધીનગરના મુખ્ય નગરનિયોજકની કચેરીના ટાઉન પ્લાનિંગ ઓફિસર નયન મહેતા તથા તેમના પરિવારના લોકરોની તપાસ બાદ હવે તેમનાં સગાંસંબંધીઓના નામે તેમણે કોઈ સ્થાવર કે જંગમ મિલકત ખરીદી પૈસાનું રોકાણ કર્યું છે કે કેમ તે દિશામાં એસીબીએ તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત નયન મહેતાએ અત્યાર સુધી ક્લીયર કરેલી ફાઇલોની પણ તપાસ ચાલી રહી છે, જેમાં સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી જે તે સમયે ટાઉન પ્લાનિંગ અધિકારીએ લાંચની માગણી કરી હતી કે લાંચ લીધી હતી તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...