ભાસ્કર એક્સક્લૂઝિવ:એક ચાવાળાની જમીન પર બની વિધાનસભા, રૂ.1450 વળતર મળ્યું

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જમીન આપનારને હજુ પૂરું વળતર મળ્યું નથી
  • વિધાનસભા છે એ જમીનના મૂળ માલિક ભેમાજી ઠાકોરની ચોથી પેઢી હવે ચા વેચીને ગુજરાન ચલાવે છે

મૌલિક મહેતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને મહત્તમ ધારાસભ્યોને જીતાડવા દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. જોકે, આ ચૂંટણીમાં જીતીને આવ્યા બાદ 15મી વિધાનસભાના 182 ધારાસભ્ય શપથ લેશે તે વિધાનસભા ભવનનું બિલ્ડિંગ જ્યાં છે તે જમીનના મૂળ માલિકના પુત્ર હાલ સચિવાલયના ગેટ નં. 3થી માત્ર 200 મીટરના અંતરે રસ્તા પર ચા વેચીને ગુજરાન ચલાવે છે. આ મૂળ ખેડૂતના વારસદારોને સરકારે નોકરી, દુકાન કે જમીન કશું આપ્યું નથી, જેથી તેમની આ હાલત છે. આ જમીનના બાકી વળતર માટે તેમના પરિવારજનો હજુ સરકારી કચેરીના ધક્કા ખાય છે.

12 ગામની જમીન સંપાદન કરાઈ
પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના થઇ ત્યારે આસપાસના 12 ગામની જમીન સંપાદન કરાઈ હતી. સચિવાલયનો કેટલોક ભાગ અને સ્વર્ણિમ સંકુલ-વિધાનસભા સંકુલ જ્યાં છે તે જમીન બોરીજ ગામના સર્વે નંબરની હતી અને તેના મૂળ માલિક ઇન્દ્રોડા ગામના ભેમાજી ઠાકોર હતા. તેમની કુલ ત્રણ સર્વે નંબરની 6.11 એકર જમીન 1966માં સંપાદિત થઇ હતી.

મોટાભાગના ખેડૂતોને પુરતુ વળતર મળ્યું નથી
આ માટે તેમને 1983માં માત્ર એક સર્વે નંબરનું રૂ. 1449.90 વળતર અપાયું હતું. બે સર્વે નંબરની જમીનનું વળતર હજુ તેમને મળ્યું નથી. તેમના વારસદારો હજુ પણ કલેક્ટર કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. ભેમાજીના 60 વર્ષીય પુત્ર બળદેવજી હાલ સચિવાલયની પાછળ અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો કચેરી પાસે કિટલી ચલાવે છે. બળદેવજીના ભાઇ ગાંડાજી પણ પોલીસ ભવનની સામે વર્ષો સુધી કિટલી ચલાવતા. બે વર્ષ પહેલા તેમનું અવસાન થયું હતું. હાલ ગાંડાજીના પુત્ર સોનાજી અને તેમનો પુત્ર કરણ ચાની લારીએ બેસે છે. આમ મૂળ માલિકની ચોથી પેઢી પણ ચા વેચીને ગુજરાન ચલાવે છે. બળદેવજીએ કહ્યું કે અમારી જમીન સિવાય અન્ય ખેડૂતોના સર્વે નંબરો હતા. જમીન સંપાદિત થઇ છે તે મોટાભાગના ખેડૂતોને પુરતુ વળતર મળ્યું નથી.​​​​​​​

સરકારે લાગણી ધ્યાનમાં રાખી, આજે ય જોગણી માંનું મંદિર સચિવાલયમાં યથાવત્
બળદેવજીના પુત્ર પ્રભાતજીએ કહ્યું કે, અમારા ખેતર સંપાદન થયા ત્યારે અમારા દાદાએ કરી હતી કે ખેતરમાં જોગણી માતાનું મંદિર છે તેને યથાવત્ રખાય. સરકારે આ વિનંતી માન્ય રાખી જેથી આજેય સચિવાલયના બ્લોક નં.7ના બેઝમેન્ટમાં જોગણી માતાનું મંદિર છે. અમારો પરિવાર આજે પણ ત્યાં નિયમિત દર્શને જાય છે.

ચૂંટણી આવે ને જાય... અસરગ્રસ્ત ખેડૂતોને ન કોઇ લાભ મળ્યા ન પૂરું વળતર
બળદેવજી ઠાકોરે કહ્યું કે હાલ ચૂંટણીનો માહોલ છે. એ તો આવે છે ને જાય છે, પરંતુ ગાંધીનગરની સ્થાપના માટે પોતાની જમીન આપનારા અસરગ્રસ્ત ખેડૂતોને નથી કોઇ લાભ મળ્યા નથી જમીનનું પૂરું વળતર. અમારી જમીન વિધાનસભા સંકુલ માટે સંપાદિત થઇ હતી પણ તેની સામે સરકારે નોકરી, દુકાન કે જમીન એ ત્રણ પૈકી કોઇ એક વિકલ્પનો લાભ આપવાનો થતો હતો, જે અમારા પરિવારને મળ્યો નથી. તેથી અમે કિટલી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. મારો પુત્ર પ્રભાતજી આજે પણ બાકી વળતર માટે ધક્કા ખાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...