આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસ મામલે આજે ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં આસારામ સહિતના આરોપીઓની એફએસ (ફરધર સ્ટેટમેન્ટ ) લેવામાં આવી હતી. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરની સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. હવે આગામી દિવસોમાં ગાંધીનગર કોર્ટ કમિશન આસારામની સહીઓ લેવા માટે જોધપુર કોર્ટમાં જવા માટે રવાના થશે.
આસારામ છેલ્લા કેટલાય વર્ષથી જેલમાં બંધ છે
ગાંધીનગર ખાતે આસારામ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ અન્વયે આજે ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં આસારામ સહિત તેમના સાધકોની એફએસ લેવામાં આવી હતી. આજે સવારે સાધકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચામાં રહેલા આસારામ છેલ્લા કેટલાય વર્ષથી જેલ હવાલે છે. તેવામાં આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આજે આરોપીની જુબાની લેવામાં આવી છે.
દુષ્કર્મ કેસમાં કુલ 7 આરોપીમાંથી 6 આરોપીઓ જામીન પર છે
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવતા આસારામને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવ્યાં હતા. મહત્વનું છે કે, દુષ્કર્મ કેસમાં કુલ 7 આરોપીમાંથી 6 આરોપીઓ જામીન પર છે અને હાલ આસારામ રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. દુષ્કર્મના એક કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. જેને પગલે આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે.
સુરતની બે બહેનોએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
આસારામ ઉપરાંત તેના બે સાથી શિલ્પી અને શરદને કોર્ટે 20-20 વર્ષની સજાનો હુકમ કર્યો છે તો બીજી તરફ સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની એક મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાથે સંબંધિત છે. મહિલાએ આરોપ મૂક્યો હતો કે, જ્યારે તે 1997થી 2006 દરમિયાન આશ્રમમાં રહી હતી ત્યારે આસારામે તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ કેસમાં નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ આજે સેસન્સ કોર્ટમાં સાધકોની પણ એફએસ લેવામાં આવી હતી. જે અંતર્ગત આસારામ સહિતનાં સાધકો સામેનાં આરોપોની એફએસ લેવામાં આવી હતી. ત્યારે આગામી દિવસમાં હવે આ કેસ સંદર્ભે ગાંધીનગર કોર્ટ કમિશન જોધપુર જેલમાં બંધ આસારામની સહીઓ લેવા રાજસ્થાન જવા પણ રવાના થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.