તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:કેસ ઘટ્યા એટલે ભાજપના નેતાઓને સેવાભાવ જાગ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 એપ્રિલે મતદાનના સ્ટીકરવાળી સેનિટાઈઝરની બોટલોનું મે મહિનામાં વિતરણ
  • કોરોના વચ્ચે પણ મનપાની ચૂંટણી લડવા ઘરે-ઘરે પ્રચાર માટે જતા ઉમેદવારો ચૂંટણી મોકૂફ થતાં ગૂમ થયા હતા

ગાંધીનગર મનપા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં ઘટાડો થતાની સાથે જ રાજકીય પક્ષો તેમની પ્રચાર સેવા શરૂ કરી દીધી છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી 18 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ વધતાં જતાં કેસોને પગલે મતદાનના 7 જ દિવસ પહેલાં જ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી મોકૂફ રાખી હતી. 5 મેના રોજ કોર્પોરેશનમાં ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પુરી થતા હાલ મ્યુ. કમિશનર વહીવટદાર તરીકે કામગીરી કરી રહ્યાં છે. કોરોના વચ્ચે પણ કોર્પોરેશનની ચૂંટણી લડવા તૈયાર થયેલા ઘરે-ઘરે પ્રચાર માટે જતાં ઉમેદવારો ચૂંટણી મોકુફ રહેતાં ગૂમ થઈ ગયા હતા. મનપા વિસ્તારમાં કેસો એકદમ વધી ગયા હતા ત્યારે નાગરિકો ટેસ્ટિંગ, હોસ્પિટલ, સ્મશાનની લાઈનોમાં હતા ત્યારે થોડા ઘણા નેતાઓને બાદ કરતાં કોઈ ઉમેદવારો દેખાયા ન હતા.

ત્યારે હવે સ્થિતિ સામાન્ય હળવી થતાં ઉમેદવારો પાછા મેદાને આવ્યા છે. પોતાના મત વિસ્તારમાં સેનિટાઈઝરનો છંટકાવ, માસ્ક-સેનિટાઈઝરનું વિતરણ, ઉકાળાનું વિતરણ, સ્મશાનની સફાઈ સહિતના ગતકડાં કરીને મતદારોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. સેક્ટર-7 સહિતના વિસ્તારોમાં માસ્ક-સેનિટાઈઝરનું વિતરણ કરાયું તેમાં 18 એપ્રિલે મતદાનના સ્ટીકરો લાગેલા છે. જે દર્શાવે છે કે, એકાદ મહિનાથી વધુ સમયથી પડેલાં માસ્ક-સેનિટાઈઝર કેસો વધ્યા ત્યારે નહીં પણ સ્થિતિ હળવી થઈ પછી વિતરણ કરાયા છે. ઉમેદવારો દ્વારા જે સેવાઓ થઈ રહી છે તે પોતાના વિસ્તારમાં જ થઈ રહી છે.

નાગરિકોની સેવા જ છે તો પછી ફોટોસેશન કેમ?

સેક્ટર-24ની આ તસવીરમાં જોઈએ દેખાય છે કે એક સાથે 3-4 મહાનુભાવો સેનિટાઈઝરનો છંટકાવ કરી રહ્યાં છે. ખરેખર તો નેતાઓએ ફોટોસેશન મુકીને પોતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને નાગરિકોને તેની શીખ આપવી જોઈએ.

સરકારની અપીલનું પાલન ભાજપના નેતાઓ જ નથી કરતા!

ગાંધીનગર ભાજપ યુવા મોરચા દ્વારા તાજેતરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રાયસણ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. કાર્યક્રમનો ઉદેશ્ય સારો જ હતો પરંતુ ભાજપના નેતાઓ ફોટો પડાવવાના ચક્કરમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...