હાર્દિક... પાટીલદાર:ભાજપમાં જોડાતા જ હાર્દિકે આંદોલન કરનારાને ‘અસામાજિક તત્ત્વો’ કહ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બધાને ખબર પડી ગઈ કે આ માણસ વિશ્વાસ કરવા જેવો નથી: લાલજી પટેલ
  • પાટીલે ખેસ પહેરાવીને તો નીતિન પટેલે ટોપી પહેરાવીને ભાજપ પ્રવેશ કરાવ્યો
  • પહેલાં પાટીદારનો, પછી કોંગ્રેસ, હવે ભાજપનો થયો હાર્દિક પટેલ
  • ​​​​​​​હાર્દિકે કહ્યું, તોડફોડ કરવા હું નહોતો ગયો, જેમણે કરી એમની સામે કાર્યવાહી થાય જ છે

પાટીદાર અનામત માટે ભાજપ સરકાર સામે આંદોલન છેડનાર હાર્દિક પટેલ ગુરુવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ ખાતે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવીને તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેસરી ટોપી પહેરાવીને હાર્દિકનો ભાજપ પ્રવેશ કરાવ્યો હતો. પાટીલ અને પટેલ એ પછી તુરંત રવાના થયા હતા. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિકને પાટીદાર અનામત આંદોલન વખતે થયેલી હિંસા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં હાર્દિકે તોડફોડ કરનાર આંદોલનકારીઓને અસામાજિક તત્વો ગણાવ્યા હતા.

હાર્દિકે કહ્યું હતું કે, તોડફોડ તો અસામાજિક તત્વોએ કરી ? આ સાથે એક અર્થ એવો નીકળ્યો કે,શું પાટીદાર આંદોલનમાં તોડફોડ કરનાર આંદોલનકારીઓ અસામાજિક તત્વો હતો ? તેમના આ‌વા નિવેદનથી વિવાદ સર્જાયો હતો. પાટીદાર આંદોલનના અગ્રણી નેતા લાલજી પટેલે હાર્દિકને સ્વાર્થી ગણાવતા કહ્યું હતું કે સમાજમાં બધાને ખબર પડી ગઈ છે કે હાર્દિકનો વિશ્વાસ કરવા જેવો નથી.

પહેલાં ટીકા હવે ગુણગાન હાર્દિકે કહ્યું ભાજપનો સૈનિક બનીને કામ કરીશ
ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પીએમ મોદીથી લઈને પાટીલ સુધીના નેતાઓની પ્રશંસા કરી હતી. હાર્દિકે પોતે ભાજપનો સૈનિક બનીને કામ કરીશ એમ જણાવતા અન્ય પાર્ટીના નેતાઓને પણ ભાજપમાં જોડાવા હાકલ કરી હતી. હાર્દિકે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદાર યુવાનોના પરિવારજનોને બે મહિનામાં નોકરી અપાવવાની પણ જાહેરાત કરી હતી. હાર્દિકે રામસેતુની ખિસકોલીની જેમ પાર્ટી માટે કામ કરવાની વાત કરી હતી.

આંદોલન વખતે મોદી, શાહ વિશેના નિવેદનો બદલ માફીની વાત ઉડાવી
હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન વખતે વડાપ્રધાન મોદી, અમિત શાહ તથા નીતિન પટેલ, આનંદીબેન સહિતના ભાજપના નેતાઓની ટીકા કરતા તેમના વિશે કટુ વચનો કહ્યાં હતા. ભાજપમાં જોડાયા બાદ જ્યારે પત્રકારોએ હાર્દિકને પૂછ્યું કે શું તમે આ નિવેદનો બદલ માફી માગશો તો જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, એ નિવેદનો આંદોલન વખતની ઉગ્રતા હતી. આમ કહીને હાર્દિકે માફી માગવાની વાતને ઉડાવી દીધી હતી.

જેમણે પહેલાં ઉગ્ર વિરોધ કર્યો હતો એ ઋત્વિજ પટેલે હવે હાર્દિકનું સ્વાગત કર્યું
પાટીદાર આંદોલન વખતે એકથી વધુ વખત હાર્દિકની ઉગ્ર ઝાટકણી કાઢનાર ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલને ગુરુવારે હાર્દિકનું સ્વાગત કરવાની જવાબદારી સોંપાઈ હતી. હાર્દિકના ભાજપ પ્રવેશના કાર્યક્રમ વખતે માહોલ ભારેખમ હતો. વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રી પટેલ,પ્રાગજી પટેલને પણ મંચ પર બોલાવાયાં હતાં. આ સાથે હાર્દિકને સંકેત અપાયો હતો. કારણ કે આ નેતાઓ પણ વિરમગામથી ટિકિટ માગવાના દાવેદાર છે.

આ મારી ઘરવાપસી છે
મારા પિતા ભાજપ માટે કામ કરતા હતા. આનંદીબેન મારાં ફોઈ છે. નીતિન પટેલ કાકા છે. નરેન્દ્રભાઈ દેશનું ગૌરવ છે, અમિતભાઈ, નડ્ડાસાહેબ, સીઆર પાટીલ અને ભુપેન્દ્ર પટેલ ભગીરથ કાર્ય કરે છે. તેમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ. - ભાજપમાં જોડાયા બાદ હાર્દિક

અન્ય સમાચારો પણ છે...