આપની રણનીતિ:ઈસુદાન-ઈટાલિયા સહિતના 70 નેતા-કાર્યકરો માટે ગાંધીનગર કોર્ટમાં 40 વકીલોની ફોજ ઉતારાશે

એક મહિનો પહેલાલેખક: દિનેશ સિંધવ

સોમવારે બપોરે આમ આદમી પાર્ટી દ્રારા આજે ગાંધીનગરમાં આશ્ચર્યજનક કહી શકાય તેવો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી (AAP-આપ)એ હોબાળો મચાવ્યો હતો. ભાજપના હેડ ક્વાર્ટર ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો ઘેરાવ કર્યો હતો. જ્યાં આપના નેતા કાર્યકર્તાઓએ જોરશોરથી સૂત્રોચ્ચાર કરતાં જ ભાજપના કાર્યકરો પણ સહમી ગયા હતા. દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેના પગલે આપ કાર્યકરોમાં નાસભાગ મચી હતી અને કેટલાક ઘાયલ થયા હતા તો કેટલાકની પોલીસે અટકાયત કરી હતી.

તમામ ડિટેઇન કરેલા કાર્યકરોને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લઈ જવાયા હતા. જ્યાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લા બંધી કરી દેવામાં આવી હતી. આ મામલે ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હસમુખ પટેલ, નિખિલ સવાણી, પ્રવિણ રામ અને શિવ કુમાર સહિતના અંદાજે 400થી 500 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. જેમાંથી 70 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ત્યારે હવે આજે જ્યારે ગાંધીનગર કોર્ટમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના અન્ય 70 નેતા-કાર્યકર્તાઓને ગાંધીનગર કોર્ટમાં હાજર કરાશે તેને લઈને અમદાવાદ લીગલ સેલના પ્રમુખ અનુપ ભાવસાર સાથે આમ આદમી પાર્ટીની રણનિતી અંગે ખાસ વાતચીત કરી હતી. આપના લીગલ સેલ દ્રારા આ મામલે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. આપના તમામ નેતા અને કાર્યકર્તાઓને છોડાવવા માટે 40 જેટલા વકીલો કોર્ટમાં હાજર રહે છે. તો આપના લીગલ સેલ દ્રારા એ પણ આક્ષેપ કરાયો છે કે પોલીસે તેમના અસીલ સાથે મુલાકાત પણ ન કરવા દઈને તેમના હક પર પણ તરાપ મારી છે.