અર્બુદા સેનાનું 'જેલ ભરો આંદોલન':વિપુલ ચૌધરીને જેલમુક્ત કરવાની માગ સાથે અર્બુદા સેનાએ સત્યાગ્રહ છાવણીનો ઘેરાવો કર્યો, 100થી વધુની અટકાયત

ગાંધીનગરએક મહિનો પહેલા

પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને જેલમુક્ત કરાવવા માટે અર્બુદા સેના દ્વારા ઘણા સમયથી વિરોધપ્રદર્શન તેમજ ધરણાં કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં વિપુલ ચૌધરીને જેલમુક્ત કરવામાં નથી આવતા. આજ સવારથી જ અર્બુદા સેના ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઊમટી પડી છે અને તાત્કાલિક વિપુલ ચૌધરીને જેલમુક્ત કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરી 'જેલ ભરો આંદોલન' કરવામાં આવી રહ્યું છે. અર્બુદા સેનાના કાર્યકરોએ સત્યાગ્રહ છાવણીનો ઘેરાવો કરતાં પોલીસે 100થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.

મહિલાઓની અટકાયત કરતી પોલીસ.
મહિલાઓની અટકાયત કરતી પોલીસ.

'ચાલો... ગાંધીનગર'નું આહવાન કરાયું
અર્બુદા સેના દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આજે ધરણાં યોજી આવેદનપત્ર અને જેલ ભરો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને ન્યાય અપાવવા 'ચાલો.. ગાંધીનગર'નું આહવાન કરાયું છે, એને પગલે આજ સવારથી મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ઊમટી રહ્યા છે. જેમ જેમ કાર્યકરો આવી રહ્યા છે, તેમ તેમ પોલીસ તેમની અટકાયત કરી રહી છે.

100થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ.
100થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ.

30 ઓક્ટોબરે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા થશે
અર્બુદા સેનાના જણાવ્યા પ્રમાણે, વિપુલ ચૌધરીને ખોટા કેસોમાં ફસાવી ચૂંટણી ટાણે જ ધરપકડ કરવામાં આવી છે. એમાં ચૌધરી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ચૌધરી સમાજ અને અર્બુદા સેનાની લાગણી છે કે વિપુલ ચૌધરીને વહેલીતકે જેલમુક્ત કરવામાં આવે. અર્બુદા સેના 30 ઓક્ટોબરના રોજ આંજણા સમાજ પશુપાલકોની મહાપંચાયત ગાંધીનગર ખાતે મળશે, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થશે અને રાજકીય દિશાસૂચન અર્બુદા સેના કરશે.

સત્યાગ્રહ છાવણીએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત.
સત્યાગ્રહ છાવણીએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત.

​​​​​​ગુરુવારે પાટણમાં દેખાવો કર્યો હતો
આ ઉપરાંત અરવલ્લી અર્બુદા સેના દ્વારા પણ આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણાં તેમજ જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ યોજાયો છે. ગુરુવારે પાટણમાં પણ અર્બુદા સેના દ્વારા રોડ પર બેસી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ બાદ પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અર્બુદા સેનાનો આરોપ છે કે ચૂંટણી ટાણે રાજકીય કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરીને ખોટી રીતે જેલમાં પૂર્યા છે.

અર્બુદા સેનાનું 'જેલ ભરો આંદોલન.'
અર્બુદા સેનાનું 'જેલ ભરો આંદોલન.'
અન્ય સમાચારો પણ છે...