વરણી:જિલ્લાની 89 ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે તલાટીની નિમણૂક

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહિવટદારની નિમણૂકને લઇને વિવાદ થતાં તેની કામગીરી ઉપર અસર પડશે: ગ્રામ પંચાયતનો વહિવટ ડામાડોળ થાય તેવી પણ સંભાવના
  • તલાટી તેમજ વહીવટદાર વચ્ચે મતભેદ ઊભા થવાની શક્યતા

જિલ્લાની 89 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર તરીકે તલાટીની જ નિમણુંક કરી દેવાતા વહિવટી પ્રશ્નો ઉભા થવાની શક્યતા રહેલી છે. ઉપરાંત 15માં નાણાંપંચની કીના મામલે મતભેદ ઉભા થવાની શક્યતા રહેલી છે. આથી ગામડાના વિકાસની બાગડોર જેના હાથમાં છે તેવી ગ્રામ પંચાયતનો વહિવટ ડામાડોળ થઇ શકે તેમ લાગી રહ્યું છે.

પાટનગર ગાંધીનગર જિલ્લાની 89 ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદત ગત તારીખ 30મી, એપ્રિલના રોજ પૂર્ણ થઇ છે. ત્યારે હાલમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજવાની નહી હોવાથી વહિવટદાર નિમણુંક કરવાનો આદેશ વિકાસ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો હતો. જેને પરિણામે જિલ્લાની 89 ગ્રામ પંચાયતોનું વહિવટી કામગીરી થઇ શકે તે માટે વહિવટદારની નિમણુંક કરવામાં આવી છે. આથી જિલ્લાની 89 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર તરીકે તલાટીની જ નિમણુંક કરવામાં આવી છે. જોકે તેજ ગ્રામ પંચાયતના નહી પરંતુ અન્ય ગ્રામ પંચાયતના તલાટીની વહિવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આથી જુનિયર અને સિનિયરનો ભેદ ઉભો થવાથી ગ્રામ પંચાયતના તલાટી અને વહિવટદાર વચ્ચે મતભેદ ઉભા થવાની પણ શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત 15માં નાણાંપંચની ગ્રાન્ટ માટે ચેકર અને મેકર નામની કી સરપંચ અને તલાટીને આપવામાં આવી છે. તેમાં સરપંચની કી માત્ર પોતાની ગ્રામ પંચાયત માટે ઉપયોગી બને છે. જ્યારે તલાટીને આપેલી કી અન્ય ત્રણ ગામમાં પણ કામ આવે છે. આથી ગામદીઠ એક જ કી અને વહિવટદાર એક રહેવાથી મતભેદ ઉભા થવાની શક્યતા રહેલી છે.

જોકે ગ્રામ પંચાયતના વહિવટદાર અને તલાટી વચ્ચે મતભેદ ઉભા થાય નહી તે માટે ટીડીઓની દરખાસ્તના આધારે ગ્રામ પંચાયતના વહિવટદારની નિમણુંક કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે વહિવટદાર તરીકે ક્લાર્કની નિમણુંક કરવાની હતી. પરંતુ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવે કરેલા આદેશથી તલાટીને વહિવટદાર તરીકે નિમણુંક કરી છે.

અન્ય સમાચારો પણ છે...