ગાંધીનગરના પૂર્વ મેયરના પતિ દ્વારા થયેલા કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવા અરજી થઈ છે. સેક્ટર-22 અર્હમ ફ્લેટ અંગે ગાંધીનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં ફ્લેટમાં ઉપરના માળે 4 યુનિટ, સરકારી પ્લોટમાં પાર્કિંગ સહિતના આક્ષેપ થયા હતા. જેને પગલે બુધવારે કલેક્ટર કચેરીની જમીન ફાળવણી તેમજ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ, ઈજનેરી, ફાયર એમ 4 શાખાની ટીમોએ સ્થળ ચકાસણી માટે પહોંચી હતી. જેમાં ફ્લેટના આગળનો ગેટ, પાછળનું પાર્કિંગ અને બેઝમેન્ટમાં નિયમ વિરૂદ્ધ બાંધકામની તપાસ કરીને રિપોર્ટ સોંપાશે.
જોકે સ્થળ તપાસ સમયે જોયેલા નક્શા સહિતની વિગતોના આધારે ફ્લેટના રહીશ જનકભાઈ ચૌધરીએ સમગ્ર મુદ્દે હવે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવા કલેક્ટર કચેરીમાં અરજી કરી છે. જેમાં ફ્લેટમાં 300 મીટરથી વધુનું ગેરકાયદે બાંધકામ હોવાની રજૂઆત કલેક્ટર સમક્ષ કરાઈ છે.
જેને પગલે સમગ્ર મુદ્દે કલેક્ટર દ્વારા ફરીથી સ્થળ તપાસ માટે કહેવાયું છે, જે અંગે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગને આ અંગે જાણ કરાશે. આ તરફ ગુરૂવારે પાટનગર યોજના વિભાગની ટીમ સેક્ટર-22 ખાતે તપાસ માટે પહોંચી હતી. જેમાં પાણીની લાઈનની ચકાસણી કરાઈ હતી, જેમાં પાણીની લાઈનમાં પણ નિયમ વિરૂદ્ધનું કામ થયું હોવાની શંકા સેવાઈ છે. જેમાં એક કરતાં વધુ લાઈનો હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.