ડુપ્લીકેટ એસેસરીઝનું કૌભાંડ:કલોલમાં એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચતી મોબાઈલની ચાર દુકાનોમાં દરોડો, 1.40 લાખનો મુદામાલ જપ્ત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર દુકાન ધારકો વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

ગાંધીનગરના કલોલ શહેર વિસ્તારમાં જાણીતી એપલ કંપનીના માર્ક વાળી ડુપ્લીકેટ એસેસરીઝનો વેપાર કરતી ચાર દુકાનો ઉપર કંપનીના માણસોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડો પાડી એપલની ડુપ્લીકેટ એસેસરીઝના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે કલોલ શહેર પોલીસે ચાર દુકાનનાં સંચાલકો વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વિવિધ પ્રકારની 1.40 લાખની ડુપ્લીકેટ એસેસરીઝનો જથ્થો જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના કલોલ વિસ્તારમાં મોબાઇલની દુકાનોમાં જાણીતી એપલ કંપનીના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ એસેસરીઝને ઓરિજિનલ બતાવીને વેચાણ કરવાના કારોબારનો એપલ કંપનીના ટ્રેડમાર્ક - કોપી રાઈટના હક્કોનાં રક્ષણનું કામ કરતી મુંબઈની કંપની દ્વારા પર્દાફાશ કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મુંબઈની ગ્રીફીન ઈંટેલેકચુઅલ કંપનીના મેનેજર વિશાલ જાડેજાએ ગત તા. 19મી મેના રોજ કલોલ શહેર પોલીસ મથકમાં અરજી આપી રજુઆત કરી હતી કે, અત્રેના વિસ્તારમાં મોબાઈલની દુકાનોમાં એપલ કંપનીના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને કંપનીના અધિકારીઓની સાથે કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ ઉન્નતિબેન પટેલની ટીમે દરોડો પાડીને એપલની ડુપ્લીકેટ એસેસરીઝનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

કલોલ નવ જીવન કમ્પાઉન્ડમાં આવેલ ભગવતી મોબાઇલ એન્ડ એસેસરીઝ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવતાં મહેશ પ્રભુદાસ નાથાણી(રહે. સી/403,પ્રકાશકુંજ ફ્લેટ, કલોલ) એપલ કંપનીના સિમ્બોલ વાળા કવર - 19,ટફન ગ્લાસ - 34,એડેપટર - 5 સાથે આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. જ્યારે કલોલ ડાયમંડ પ્લાઝામાં આવેલી એચ ડી મોબાઇલ નામની દુકાન દીપેન રાજેશભાઈ પટેલ (સી-35/2,પટેલ વાસ, કોલવડા) એપલના ડુપ્લીકેટ કવર - 335 નંગ , યુએસબી ચાર્જર - 14 નંગ, એડેપટર - 16, વોચ બેલ્ટ - 2, એરપોડસ - 4, પાવર બેંક - 2, ઈયર પોડ - 1 વેચાણ કરતા ઝડપાઈ ગયો હતો.

તેમજ જીવાભાઈ માર્કેટમાં આવેલ કેસર ટેલિકોમ નામની દુકાનમાં પણ દીપારામ ઉર્ફે અરવિંદ દેસાઈ (રહે. દુકાનની ઉપરના માળે) પણ ડુપ્લીકેટ કવર - 31 નંગ તેમજ ગોલ્ડન પ્લાઝામાં શ્રી બાણેશ્વરી નામની દુકાનમાં દીપારામ હરચંદ દેવાસી (રહે. શ્રીનાથ સોસાયટી, બોરીસણા રોડ, કલોલ) કવર - 14 નંગ, એરપોડ - 10, ચાર્જિંગ કેબલ - 18, વાયરલેસ હેડ સેટ - 3, એડેપટર - 18 નંગ વેચતાં ઝડપાઈ ગયો હતો. આ તમામ વિરુદ્ધ પોલીસે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી 1.40 લાખનો મુદામાલ જપ્ત કરી તમામની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...