તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોના જેવા કોઇપણ વાયરસના સંક્રમણની આપત્તિને અવસરમાં પલટવા ગાંધીનગર શહેરનું નવેસરથી આયોજન કરવા અપીલ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે સરકારને રજૂઆત કરી
  • જૂના ગાંધીનગરમાં સેક્ટરોની રચનાની ડિઝાઇન જાળવી ફેરફાર કરવા રજૂઆત કરાઇ

છેલ્લા દોઢ વર્ષથી દેશ અને દુનિયાની સાથે ગુજરાત પણ કોરોના વાયરસ સંક્રમણનો સામનો કરી રહ્યું છે અને વૈજ્ઞાનિકોની આગાહી મુજબ આવાં વાઇરસ સંક્રમણ સતત ચાલુ રહેવાનાં છે ત્યારે ગાંધીનગરને વાયરસના સંક્રમણની સમસ્યાથી કાયમી સુરક્ષા મળે તેમજ વધતી વસ્તી અને જરૂરિયાતોને લક્ષમાં લઈ નગરનું નવેસરથી આયોજન કરવા તજજ્ઞોની સમિતિ નિમવા ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે સરકારને રજૂઆત કરી છે.

જાગૃત નાગરિક પરિષદ દ્વારા યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં શહેરનાં વિવિધ પ્રાણ પ્રશ્નો મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી હતી.ગાધીનગરની સ્થાપના સમયે તજજ્ઞોની સમિતિ રચવામાં આવી હતી. જેથી આવી સમિતિમાં પ્રબુદ્ધ નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવે. જૂના ગાંધીનગરમાં સેક્ટરોની રચનાની ડિઝાઇન જાળવી રાખીને સુવિધાઓ વધારવાની છે. નવા વિકસી રહેલા ગાંધીનગરનો વિસ્તાર પણ તજજ્ઞ સમિતિના કાર્યક્ષેત્રમાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે. આપત્તિને અવસરમાં પલટાવવાની ગુજરાતની તાસીર છે અને વાઇરસ સંક્રમણની આપત્તિ સમયે કાયમી ધોરણે સંરક્ષણ મેળવી શકાય તે માટે ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે તાત્કાલિક અમલમાં મૂકી શકાય તેવાં કેટલાંક મહત્વનાં સૂચનો કર્યા હતા.

ગાંધીનગરના દરેક સેક્ટરમાં માર્કેટ વિકસાવો

ગાંધીનગરના સેક્ટરોમાં 60 વર્ષ જૂના શોપિંગ સેન્ટરો આવેલાં છે. વધેલી વસ્તી અને જરૂરિયાતોને લક્ષમાં લઇને તેના વિકાસનું નવેસરથી આયોજન કરવાની આવશ્યકતા છે. સોશિયલ ડીસ્ટન્સનું પાલન થાય તે રીતે લોકો છૂટથી હરીફરી શકે તેવાં વિશાળ અદ્યતન શોપિંગ સેન્ટર આજની જરૂરિયાત છે. તેમા 50થી વધુ દુકાનો હોવી આવશ્યક છે. આ જ સ્થળે વૃક્ષોની છાયા સાથેના શાકમાર્કેટનો પણ સમાવેશ કરવામાં આવે. વર્તમાન શોપિંગ સેન્ટરની આજુબાજુ આવેલા જૂના સરકારી ક્વાર્ટર્સને દૂર કરીને જમીન ઉપલબ્ધ કરી શકાય તેમ છે. તેની નજીક આવેલા બગીચાને પણ વિકસાવો. વૃક્ષોની છાયા સાથેનું વિશાળ પાર્કીગ આપો. આથી વ્યાપાર ક્ષેત્રે રોજગારીની નવી તકો મળવા સાથે નાગરિકોની સુવિધામાં અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે.

હાલમાં માત્ર સેકટર 21, 24 અને સેકટર 07મા જ શાકભાજી માર્કેટ માટે વ્યવસ્થા છે. શાકભાજી લોકો માટે રોજીંદી જરૂરિયાત છે અને લોકોના રહેઠાણની નજીકમાં ઉપલબ્ધ થાય તે ઈચ્છનીય છે. તેથી વસવાટ ધરાવતા દરેક સેકટરમાં શાકભાજી માર્કેટ માટે આયોજન કરવામાં આવે તો સેક્ટરમાં ફરતા શાકભાજી ફળો વેચતા ફેરિયાઓ કે જેમને મહામારીમાં સુપરસ્પ્રેડર તરીકે ઓળખાયેલ છે. તેમના પર નિયંત્રણ કરી શકાય. નવા વિકસિત થયેલા ગાંધીનગરના વિસ્તારોમાં પણ આ સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે ‌‌.

સેક્ટર-21ના મુખ્ય શાકમાર્કેટનું વિસ્તરણ કરો

સેક્ટર-21 મુખ્ય શાકમાર્કેટમાં ગ્રાહકોની અને લારીવાળાઓની હંમેશા ભારે ગીરદી રહે છે. સેક્ટર-21 મુખ્ય શાક માર્કેટ અને અપના બજાર બિલ્ડીંગ વચ્ચે આવેલાં જૂનાં સરકારી ક્વાટર્સને દૂર કરીને તે સ્થળે શાકભાજી અને ફળોની રેકડીઓને ઊભા રહેવાની અને પાથરણાંવાળાને બેસવાની વ્યવસ્થિત જગ્યાઓ આપવામાં આવે, જેથી મુખ્ય શાક માર્કેટ પરનું દબાણ દૂર કરી શકાય અને ગીરદી નિવારી શકાય. બન્ને વચ્ચેના બગીચાને વિકસાવવામાં આવે, જેથી મહિલાઓ સાથે આવેલાં બાળકો બગીચામાં રોકાઈ શકે.વૃક્ષો સાથેની વધુ પાર્કીગ સુવિધા પણ વિકસાવી શકાય. મનપા માર્કેટ માટે અલગ વ્યવસ્થાપન તંત્ર ઊભું કરે, જેથી દબાણના પ્રશ્નો ન ઉદભવે છે અને માર્કેટ ઢોરમુક્ત રહી શકે.

સેક્ટરોના દવાખાનાને પુનર્જીવિત કરી અદ્યતન બનાવો

વાયરસ સંક્રમણ સામે સુરક્ષિત સારવારની સુવિધા ઊભી કરવા માટે સેક્ટરોના દવાખાને પુનર્જીવિત કરી તેને અદ્યતન બનાવવામાં આવે. તેમાં 50 બેડ સાથેની સુવિધા આપવામાં આવે. આથી સિવિલ હોસ્પિટલ પરનું દર્દીઓનું ભારણ નિવારી શકાશે અને નાગરિકોને ઘર આંગણે જ આરોગ્યની સુવિધા આપી શકાશે.

બાકીના અર્બન હેલ્થ સેન્ટરોને પણ અપગ્રેડ કરવામાં આવે

ગાંધીનગર નગરપાલિકાને ચાર અર્બન હેલ્થ સેંટરનું સંચાલન સોપાયેલ છે. સેક્ટર- 2માં જે રીતે જૂના દવાખાનાને રીનોવેટ - અપગ્રેડ કરીને શહેરી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયેલ છે. તે રીતે બાકીના અર્બન હેલ્થ સેન્ટરોને પણ અપગ્રેડ કરવામાં આવે. તેમા જરૂરી બેડસ ઉમેરવામાં આવે. આવાં કેન્દ્રોમાં આયુર્વેદિક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે તેવું આયોજન કરવું જોઇએ. વધુમાં શહેરમાં સમાવેશ કરવામાં આવેલા નવા શહેરી વિસ્તારોમાં પણ અર્બન હેલ્થ સેન્ટરોનુ આયોજન કરવામાં આવે. આરોગ્ય કર્મચારીઓ તેમજ ટેકનિશીયનોની ખાલી જગ્યાઓ સમય મર્યાદામાં ઝડપથી ભરવામાં આવે તેમજ જરૂરિયાત મુજબ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવે.

શહેરમાં ઊભા થયેલા તમામ દબાણો દૂર કરવામાં આવે

વાયરલ અને ફંગસ સંક્રમણને અટકાવવા તેમજ વૃક્ષોના જતન માટે શહેરના તમામ પ્રકારના દબાણો અને ઢોરવાડાને દૂર કરવામાં આવે. આ માટે મનપામાં અને પોલીસમાં કાયમી જવાબદાર તંત્રની રચના કરવા સાથે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિની આવશ્યકતા રહે છે, જે હવે અનિવાર્ય છે. મહાનગરપાલિકાની મુખ્ય જવાબદારી નગરને સંપૂર્ણ સ્વચ્છ રાખવાની છે. વોર્ડની સફાઈ માટે તેના નગરસેવકોની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે. જાહેર શૌચાલયોની સંખ્યા વધારવામાં આવે. તેની નિયમિત સફાઇ થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. જ્યોતીન્દ્ર દવેના અધ્યક્ષસ્થાને મળેલી ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદની કાર્યવાહક સમિતિની વર્ચ્યુઅલ બેઠકમાં અરૂણ બૂચ, એચ.બી.વરિયા, જે.જી.વ્હોરા, વાગ્મિન બૂચ અને પ્રકાશભાઈ લાલા વગેરેએ હાજરી આપી હતી અને મહત્વનાં સૂચનો કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...