તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગાંધીનગરમાં ધાડનાં ગુનાને અંજામ આપવા આવેલી બસ્તીખાન ગેંગનો વધુ એક કુખ્યાત આરોપી ઝડપાયો

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીને ઝડપી લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી

ગાંધીનગરમાં આતંક મચાવા આવેલી કુખ્યાત બસ્તીખાન પઠાણ ગેંગ ગુનાને અંજામ આપે પહેલા જ ઝડપી લઈ ઘાતક હથિયારો જપ્ત કરી છ ગુનેગારોને દબોચી લીધા બાદ કુખ્યાત બસ્તી ખાનનાં પુત્ર તેમજ અન્ય એક આરોપીના જામીન નામંજુર થયા હતા. ત્યારે આ ગેંગના વધુ એક કુખ્યાત ગેંગસ્ટરને અમદાવાદ દાણીલીમડા જેવા સંવેદનશીલ વિસ્તારમાં ત્રાટકીને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આરોપી ધાડનાં ગુનાને અંજામ આપવા આવ્યા હોવાનું ખુલ્યું

ગાંધીનગરનાં સેકટર-8 પાસેથી એલસીબીનાં કુમક દ્વારા અમદાવાદના ગેંગસ્ટર બસ્તીખાન ગેંગનાં છ આરોપીઓ પકડી લેવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલા ફિરદોશ ઈસ્માઈલ ખીલજી( રહે. પાતળિયા હનુમાન મંદિરની પાછળ મિર્ઝાપુર અમદાવાદ), ગૌતમ વિનોદભાઇ મકવાણા (રહે. 121 અરવિંદ મીલની ચાલી બાપુનગર), ધર્મેશ કેશવભાઈ પાટડીયા(બાપુનગર), અલ્પેશ દીપકભાઈ કતપરા (બાપુનગર), કમલ ઉર્ફે કમલેશ મનુભાઈ વસાવા (ઇન્દ્રોડા મન્સૂરી વાસ ગાંધીનગર), નીકીન કાનજીભાઈ પટેલ(રહે. 52, રાધે હોમ્સ સહજાનંદ સીટીની બાજુમાં, કુડાસણ), અફઝલ લાલભાઈ મનસૂરી, અજીજ તેમજ ઉજેફા નામના આરોપીઓ તથા અન્ય છ જેટલા લોકોની ગેંગ બસ્તી ખાનની આગેવાનીમાં દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા સાથેની 40 લાખની સટ્ટાની ઉઘરાણી માટે ધાડનાં ગુનાને અંજામ આપવા આવ્યા હોવાનું ખુલ્યું હતું.

ગાંધીનગરમાં આતંક મચાવવા આવેલી ગેંગ ઝડપાઇ

બીજી તરફ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ફરિયાદી દર્શન સિંહ ઉર્ફે ગોપી ચાવડાનો પણ ઈતિહાસ તપાસવામાં આવતા ઉપરોક્ત ગેંગ સાથે આડકતરી રીતે સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેનાં પગલે આગામી દિવસોમાં મોટા સટ્ટા રેકેટની સાથે મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બસ્તીખાન પોતાની ગેંગ સાથે દર્શનસિંહને લુંટી લેવા ગાંધીનગર આવ્યો હોવાનું ફલિત થતાં ઈન્સ્પેક્ટર હરદીપસિંહ ઝાલાએ ફરિયાદી દર્શનની ભૂમિકા ચકાસતા તે પણ વ્યાજના ધંધા સાથે સંકળાયેલો હોવાના પગલે ગાંધીનગરમાં આતંક મચાવવા આવેલી ગેંગની વધુ કડકાઈથી પૂછતાછ શરૂ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચનો કાફલો દાણીલીમડા વિસ્તારમાં ધામા નાખીને બેઠો હતો

જે અન્વયે ગુનાને અંજામ આપવા બસ્તી ખાન સાથે આવેલા અમદાવાદ દાણીલીમડાનાં કુખ્યાત ગેંગસ્ટર અઝીજુર રહેમાન રિયાજુર રહેમાન સૈયદને ઝડપી લેવા બાતમીદારોનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી ક્રાઇમ બ્રાંચનો કાફલો સંવેદનશીલ ગણાતા દાણીલીમડા વિસ્તારમાં ધામા નાખીને બેઠી હતી. જેનાં પગલે પૂર્વ બાતમીનાં આધારે તેને ઝડપીને ક્રાઇમ બ્રાંચ લઈ આવવામાં આવ્યો હતો.

ગેંગનાં કોઈપણ ચરમ બંધીને બક્ષવામાં આવશે નહીં

આ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર હરદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં આતંક મચાવવા આવેલા બસ્તી ખાન સહિતની ગેંગનાં કોઈપણ ચરમ બંધીને બક્ષવામાં આવશે નહીં. આ ગુનામાં બસ્તી ખાન પઠાણનાં પુત્ર ફિરદોસ તેમજ કમલ ઉર્ફે કમલેશ મનુભાઈ વસાવાનાં જામીન કોર્ટે ફગાવી દીધા છે. ત્યારે પકડાયેલ કુખ્યાત ગેંગસ્ટર અઝીજુર વિરુદ્ધ પણ અમદાવાદના અલગ અલગ 9 જેટલા પોલીસ મથકોમાં ચોરી, લૂંટ, મારામારી, ચેઈન સ્નેચીગ સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. જેની વિરુદ્ધ પાસાનો પણ ગુનો દાખલ થયેલો છે. રીઢો ગેંગસ્ટર અઝીજુર પાસેથી સુરતની જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યાનો પણ ગુનો દાખલ થયેલો છે.

અન્ય સમાચારો પણ છે...