તપાસ:સરકારી બાળ સંભાળ ગૃહમાંથી 25 દિવસમાં બીજો બાળક પણ ફરાર

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પસમાંથી સાથે ભાગેલા 2 બાળક પૈકી 1 આબુરોડથી પકડાયો હતો
  • ગત 4થીએ બાળકો રમતા હતા ત્યારે દીવાલ કૂદીને ફરાર થઇ ગયો હતો

શહેરના સેક્ટર 17મા આવેલા સરકારી બાળ સંભાળ ગૃહમાંથી છેલ્લા 25 દિવસમાં બીજો બાળક ભાગી ગયો હતો. બપોરના સમયે બાળકો કેમ્પસમા રમી રહ્યા હતા. તે દરમિયાન નજર ચૂકવી દિવાલ કૂદીને બે બાળકો ફરાર થઇ ગયા હતા. પરંતુ એક બાળકને રાજસ્થાનથી ઝડપી લેવાયો હતો. જેને લઇને સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 17મા આવેલા સરકારી બાળ સંભાળ ગૃહમાં અમદાવાથી 16 બાળકો ગાંધીનગરમા ટ્રાન્સફર કરાયા હતા.

ત્યારબાદથી બાળકો હાલમા અહિંયા જ રહે છે. પરંતુ ગત 4થીના રોજ સંસ્થામા તમામ બાળકો બપોરના સમયે રમી રહ્યા હતા. તે દરમિયાન બે બાળકો ઓછા જોવા મળતા ગાર્ડ દ્વારા સંસ્થાના અધિક્ષક મેહુલભાઇ તેરૈયાને જાણ કરવામા આવી હતી. ત્યારબાદ તેમના દ્વારા તપાસ કરવામા આવતા 10 વર્ષિય શક્તિ ઉર્ફે કિશન વિનોદભાઇ ગૌતમ (રહે, રાજીવનગર, રામજાનકી મંદિર પાસે, ખુરસીપાર, છત્તીસગઢ) અને બીજો 12 વર્ષિય મહેશ શૈલેષભાઇ દંતાણી (રહે, અમદાવાદ, પારસી ડુંગરવાડીના છાપરા, જશોદાનગર) દિવાલ કુદીને ભાગી ગયા હતા.

બંને બાળકોની આસપાસમાં તપાસ કરવામા આવતા મળી આવ્યા ન હતા. પરંતુ બીજા દિવસે આબુ રોડ રાજસ્થાન ખાતેથી શક્તિ ઉર્ફે કિશન વિનોદભાઇ ગૌતમની માહિતી મળી હતી. જેને લઇને સિરોહી ચાઇલ્ડ લાઇન દ્વારા કાઉન્સેલીંગ કરાયુ હતુ અને તેની સાથે ભાગેલો મહેશ ક્યાં છે, તેની માહિતી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેને તપાસમાં કહ્યુ હતુ કે, મહેશ અમદાવાદ તેના ઘરે જવાનુ કહ્યુ હતુ. સંસ્થા દ્વારા અમદાવાદમાં પણ તપાસ કરવામા આવી હતી.

પરંતુ મહેશનો ક્યાંય પતો લાગ્યો ન હતો. અગાઉ 17 સપ્ટેમ્બરે સંભાળ ગૃહમાંથી બાળક દરવાજો ખોલાવી ભાગી ગયો હતો. જે હજુ હાથ લાગ્યો નથી. જ્યાર તેના 25 દિવસમાં જ સંસ્થામાંથી બીજા બે બાળકો ભાગી ગયા હતા. જેમાંથી એક મળી આવ્યો છે, પરંતુ બીજો બાળક મહેશ હજુ સુધી હાથ નહિ લાગતા આખરે સંસ્થા દ્વારા સેક્ટર 21 પોલીસ મથકમા બાળક ગુમ અને વાલીપણામાંથી ભગાડી જવાની ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...