ફિલ્મીઢબે દારૂ ઝડપાયો:ચિલોડાથી અમદાવાદ જતી દારૂ ભરેલી વધુ એક કાર પ્રાતીયા બ્રિજથી ઝડપાઈ, 3.91 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ જતી બ્રેઝા અને આઈ 20 કારમાંથી ગઈકાલે રાત્રે દારૂ બિયરનો 2652 નંગ જથ્થો ચીલોડા પોલીસે ઝડપી પાડયો હતો. ત્યારે ચિલોડાથી અમદાવાદ જતી દારૂ ભરેલી વધુ એક કાર પ્રાતીયા બ્રીજથી ડભોડા પોલીસે ઝડપી પાડી 228 નંગ દારૃની બોટલો સહિત 3.91 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાનના રીઢા બુટલેગર પ્રકાશ ડાંગીનાં દારૂનું નેટવર્ક ઝડપાયું
બુટલેગરો માટે આશીર્વાદ સમાન ચીલોડા હિંમતનગર હાઇવે પરથી ગઈકાલે રાત્રિના સમયે બ્રેઝા અને આઈ 20 કારમાંથી પોલીસે 2652 નંગ વિદેશી દારૃ અને બિયર નો જથ્થો ઝડપી પાડી 13.93 લાખનો મુદામાલ જપ્ત કરી રાજસ્થાનના રીઢા બુટલેગર પ્રકાશ ડાંગીનાં દારૂનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે એજ સમય ગાળા દરમ્યાન ડભોડા પોલીસ મથકના ફોજદાર અનિલ વછેટાની ટીમ પણ પોતાની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.

ડભોડા પોલીસ પાલજ બ્રિજ પાસે હાઈવે રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ
એ દરમ્યાન બાતમી મળી હતી કે દારૂનો જથ્થો ભરેલી એક આઇ-20 સફેદ કલરની ગાડી ચિલોડા હાઈવેથી પ્રાંતીયા થઈ અમદાવાદ તરફ જનાર છે. જેનાં પગલે પોલીસ એલર્ટ થઈને લવારપુર બ્રિજથી પ્રાઇવેટ વાહનમાં બેસી પાલજ બ્રીજ પાસે હાઈવે રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ત્યારે બાતમી મુજબની કાર દેખાતા તેને ટોર્ચ લાઈટથી રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. પરંતુ કારનો ચાલક પૂરપાટ ઝડપે ભાગ્યો હતો.

પ્રાતીયા બ્રિજ પાસે કાર મૂકીને ડ્રાઇવર અંધારામાં અલોપ થઈ ગયો
આથી પોલીસ ટીમે તેનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરતાં કાર ચાલક તેની ગાડી પ્રાતીયા બ્રીજ પસાર કરી જોગણી માતાના મંદીર સામે જે તે સ્થિતીમાં મુકી અંધારામાં અલોપ થઈ ગયો હતો. બાદમાં ગાડીને ટોઈંગ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી તલાશી લેતાં અંદરથી 228 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ડભોડા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી 91 હજાર 200 ની કિંમતનો દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂ. 3.91 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...