કોરોનાના કાળમાં સતત બે વર્ષ સુધી પરીક્ષાથી વંચિત રહેલા ધોરણ-1થી 9 અને 11ના અંદાજે 300000 વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો તારીખ 18મી, એપ્રિલથી પ્રારંભ થશે. જોકે સતત બે વર્ષથી પરીક્ષા આપવાની ટેવ નહી હોવાથી પરીક્ષાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થવા પામી છે.
તારીખ 18મી, સોમવારથી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી અંદાજે 800 જેટલી શાળાઓમાં ધોરણ-1થી 9 અને ધોરણ-11ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે પરીક્ષાને લઇને શાળાઓએ જરૂરી તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જોકે કોરોનાકાળમાં પ્રથમ વખત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા એક સાથે શરૂ થઇ રહી છે. જેનુ આયોજન કરાયુ છે.
ધોરણ-3ના વિદ્યાર્થીઓના વાલીઓ પરેશાન
ધોરણ-1 અને 2માં માસ પ્રમોશન સાથે સીધા જ ધોરણ-3માં આવેલા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા પ્રથમ વખત આપવાની થઇ રહી છે. ત્યારે પરીક્ષાને લઇને વાલીઓમાં ચિંતા ઉઠી છે. પોતાનું સંતાન ત્રણ કલાક પરીક્ષા આપી શકશે કે નહી. તેનું પરિણામ સારૂ આવશે કે નાપાસ થશે સહિતની ચિંતા વાલીઓને સતાવી રહી છે.
જિલ્લા શિક્ષણતંત્રની મૂંઝવણ વધી
જિલ્લા શિક્ષણતંત્ર માટે સોમવાર મુંઝવણવાળો બની રહેશે. કેમ કે વડાપ્રધાન મોદી કમાન્ડ એન્ડ કંટ્રોલની મુલાકાતે આવતા હોઈ કમાન્ડ કંટ્રોલમાંથી પરીક્ષાનું મોનીટરીંગ સહિતની કામગીરી યોગ્ય થાય તેની તકેદારી રાખવાની છે. બીજી તરફ ધોરણ-1થી 9 અને ધોરણ-11ની પરીક્ષાઓેનું મોનીટરીંગ માટે રૂબરૂ શાળામાં જઇ શકાશે નહી.
શિક્ષકોને પરિણામ નબળું આવવાની ચિંતા
બે વર્ષથી પરીક્ષા લેવામાં આવી નથી. ઉપરાંત ચાલુ શૈક્ષણિક વર્ષમાં બીજા સત્રથી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષે વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે પોતાના વિષયનું પરિણામ નબળું રહેવાની ચિંતા પણ શિક્ષકોની કોરી ખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.