તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય જાહેરાતો:ચૂંટણીની જાહેરાત પહેલાં જ મોંઘવારી ભથ્થાની જાહેરાત, ટાઉન હોલ અને કોઝ-વેની કામગીરીનું ખાતમૂહૂર્ત કરાયું

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 170 દિવસે ભૂતકાળનું પુનરાવર્તન! ચૂંટણીની જાહેરાત પહેલાં સરકારે જાહેરાતો કરી દીધી!
  • એપ્રિલમાં પણ ચૂંટણીની જાહેરાત પહેલાં મનપાએ કરોડોનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

મહાનગરપાલિકાની ચૂંટણી સોમવારે સાંજે 5 વાગ્યે જાહેર કરાઈ હતી. આ જાહેરાત સાંજે 4 વાગ્યે થવાની હતી પરંતુ કોઈ કારણોસર 1 કલાક પાછી ઠેલાઈ હતી. આ સમયગાળા દરમિયાન જ સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાના વધારાની જાહેરાત કરી દીધી હતી. બીજી તરફ સેક્ટર-17 સ્થિતિ ટાઉન હોલની 17 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણની કામગીરીની પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શરૂઆત કરાવી દીધી હતી. બીજી તરફ બાસણ ગામને જોડતા કોઝવેનું પણ ભાજપના નેતાઓએ ખાતમૂહૂર્ત કર્યું હતું.

મહત્ત્વનું છે કે 170 દિવસ પહેલાં 19 માર્ચે ચૂંટણી જાહેર થઈ ત્યારે આ પ્રકારનો જ ઘટનાક્રમ સર્જાયો હતો, જેમાં ચૂંટણી પંચે 4.30 વાગ્યે ચૂંટણીની જાહેરાત કરી હતી, તેના 3.30 કલાક પહેલાં એટલે કે 1 વાગ્યા આસપાસ મુખ્યમંત્રીએ 395 કરોડનાં કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં અધૂરી કામગીરી વચ્ચે કોર્પોરેશનની નવી બિલ્ડિંગ અને ઘ-4ના અંડરપાસનું લોકાર્પણ કરી દેવાયું હતું. બંને સ્થળે હજુ પણ કામગીરી સંપૂર્ણ રીતે પૂરી થઈ નથી. બિલ્ડિંગમાં તો 6 મહિના જેટલો સમય લાગે તેમ છે. જોગાનુજોગ મનપા ચૂંટણીની બંને જાહેરાતો પહેલાં જ ગાંધીનગરમાં વિવિધ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થતાં આશ્ચર્ય સર્જાયું છે. જોકે સોમવારે ચૂંટણી પંચની 1 કલાક મોડી જાહેરાતને સરકારની જાહેરાતો સાથે કોઈ લેવા દેવા ન હોવાનો ખુલાસો ચૂંટણી પંચે કર્યો હતો.

ચૂંટણીની જાહેરાત થતાં કચરાના કમઠાણમાં રાજકીય રંગ ઉમેરાશે!
મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો દ્વારા બેઠકનો દોર શરૂ કરી દેવાયો છે તો બીજી તરફ ઉમેદવારો પણ પોતપોતાના વિસ્તારમાં પ્રચારના કામે લાગી ગયા છે. હાલના સમયે મનપા વિસ્તારમાં ભીના-સૂકા કચરાના કમઠાણમાં રાજકીય રંગ ઉમેરાય તો નવાય નહીં! આ મુદ્દે ગાંધીનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ‘નાગરિકો ટેક્સ ભરે છે, ડસ્ટબીન તેમનો અધિકાર છે, એટલે લોકોને ડસ્ટબીન મળવા જ જોઈએ. કૉંગ્રેસની સત્તા આવશે તો બધાને ફ્રીમાં ડસ્ટબીન આપવામાં આવશે. સુવિધા મેળવવી એ નાગરિકોને હક છે.’ તો આ તરફ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જિતેન્દ્ર ધરવાડિયાએ કહ્યું હતું કે, ‘અમે લોકોની સાથે જ છીએ, જેમાં તંત્રે નાગરિકોને કચરો અલગ કરવા માટે ડસ્ટબીન આપવાં જોઈએ. તંત્ર કહે છે કે ડસ્ટબીન મહત્ત્વનું નથી. કોઈ પણ સાધનમાં કચરો અપાય પરંતુ અહીં વાત સુવિધાની છે. જેમાં નાગરિકો પાસે ટેક્સ લેવાતો હોય તો તેમને સુવિધા પણ આપવી જોઈએ.’

આ અંગે શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે કહ્યું હતું કે, ‘વહીવટી તંત્રે લીધેલો નિર્ણય બરાબર છે. નાગરિકો સૂકો-ભીનો કચરો આપે જ છે. જ્યાં આ પ્રશ્ન રહ્યો છે ત્યાં અમારા કાર્યકર્તા નાગરિકોને સમજાવીને નિવેડો લાવી દેશે. આ બધી એક પ્રક્રિયા છે, જેની મદદથી શહેર સ્વચ્છ થવાની સાથે સ્વચ્છતા સર્વેક્ષણમાં તેને વધુ ગ્રેડ મળતા હોય છે. એટલે આ બાબતે વિરોધ કરવાનો આવતો નથી, માત્ર કોંગ્રેસ પ્રેરિત કેટલાક લોકો તેને વિરોધ કરી રહ્યા છે. જોકે નાગરિકોને પણ ડસ્ટબીન મળવા જ જોઈએ તે અંગે નિર્ણય વહીવટી તંત્ર લેશે.’

સોમવારે 31 ટન કચરો એકઠો ઉઠાવાયો સોમવારે પણ અંદાજિત 120 ટન જેટલા કચરા સામે માત્ર 31 ટન જેટલો જ કચરો ઉઠાવાયો હતો. 20 દિવસથી ચાલતી આ માથાકૂટ વચ્ચે હવે કચરાનો આ મુદ્દે આગામી સમયે ક્યાં પહોંચે છે તે જોવાનું રહે છે.

અન્ય સમાચારો પણ છે...