ઉત્તરાયણ પર્વમાં દાન-પુણ્ય કરવા જતા પાપ થાય નહી તેના માટે જિલ્લાવાસીઓને પશુઓને માત્ર સૂકો ઘાસચારો જ ખવરાવવા જિલ્લા પશુપાલન અધિકારીએ અપીલ કરી છે. જેમાં પશુઓને ગોળ, લાડુ, અનાજ અને લીલો ઘાસચારો ખવડાવવો નહી. તેનાથી પશુઓને આફરો ચડવાથી મોત થતું હોય છે.
હિન્દુ શાસ્ત્રોમાં દાન અને પુણ્યનું વિશેષ મહાત્મય રહેલું છે. તેમાં તહેવારોમાં લોકો પૂણ્યનું ભાથુ બાંધવા માટે દાન કરતા હોય છે. તેમાં ઉત્તરાયણ પર્વમાં દાન-પુણ્યનું વિશેષ મહાત્મય રહેલું છે. જેમાં પશુઓને લીલુ ઘાસની સાથે સાથે કૂતરા અને પશુઓને લાડવા, ગોળ, શીરો તેમજ ઘઉંની ઘુઘરી ખવડાવવામાં આવે છે.
જોકે પશુઓનો રોજિંદો ખોરાક આવો નહી હોવાથી અપચો, આફરો, એસીડોસીસની તકલીફ થાય છે. ઉપરાંત આફરો ચડવાથી પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડવાથી તેનું મોત થાય છે. આથી ઉત્તરાયણમાં પુણ્ય કરવાને બદલે અજાણતા પાપ થઇ જતું હોય છે. ત્યારે પશુઓનું મૃત્યુ થાય નહી તે માટે જિલ્લાવાસીઓએ ઉત્તરાયણ પર્વના દિવસે પશુઓને સૂકો ઘાસચારો ખવડાવવાની જિલ્લા પશુપાલન અધિકારી ડો.એસ.આઇ.પટેલે અપીલ કરી છે.
જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ પશુ, પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો
ઉત્તરાયણ પર્વમાં આકાશમાં ઉડતી પતંગને દોરીથી કાપવામાં આવે છે. પરંતુ તેની સાથે સાથે અાકાશમાં વિરહતા અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે. પતંગ દોરીથી કૂતરા, વાંદરા સહિતના પશુઓ ઘાયલ થતાં હોય છે. ત્યારે પતંગ દોરીથી ઘાયલ પશુ અને પક્ષીઓને સારવાર માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત હેલ્પલાઇન નંબર 8320002000 ઉપર જાણ કરવા જિલ્લાવાસીઓને અપીલ કરી છે.
પતંગરસિકોએ આટલી કાળજી રાખવી
ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચગાવવા માટે પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ દોરી કે વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ટાળવો. સવારે 9 કલાક પહેલાં અને સાંજે 5 કલાક પછી પતંગ ચગાવવી નહી. ઘાયલ પક્ષીઓ અને પશુઓને સમયસર રેસ્ક્યૂ સેન્ટર ઉપર પહોંચાડીને પૂણ્યના સહભાગી થવા જિલ્લાવાસીઓને જિલ્લા પશુપાલન અધિકારીએ અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.