અનુભવી શિક્ષકોને અન્યાય:રાજ્યની એકલવ્ય સ્કૂલોમાં 15 વર્ષ જૂના શિક્ષકોને કાયમી ન કરતાં રોષ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NOC મળતાં નવાને કાયમી કરતા અનુભવી શિક્ષકોને અન્યાય

રાજ્યની 98 મોડલ સ્કૂલોમાં શિક્ષકોની ભરતીની એનઓસી મળતા જ નવા શિક્ષકોને કાયમી નિમણૂક આપી છે. જ્યારે દોઢ દાયકાથી ફરજ બજાવતા અનુભવી શિક્ષકોને કાયમી નહીં કરતા રોષનો જુવાળ ભભૂકી ઉઠયો છે. જો ન્યાય નહીં મળે તો ઉઘ્ર આંદોલનની શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે.

રાજ્યના આદિવાસી વિભાગ વિસ્તારમાં બાળકોને શિક્ષણ મળી રહે તે માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી અને મોડેલ સ્કુલો શરૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં આવી કુલ 98 શાળાઓ ગત વર્ષ 2000માં શરૂ કરાઈ છે. જેમાં ૩૦ હજારથી વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.

જોકે, શાળાઓ શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા લાયકાતવાળા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. આ શિક્ષકોને માસિક માનદવેતન રૂ. 4500થી શરૂ કરી રૂ.12,500નું આપવામાં આવતું હતું. ફિક્સ વેતન મેળવતા આ શિક્ષકોના કારણે ધો. 10 અને 12નું બોર્ડ પરિણામ પણ ઊંચું આવતું હતું. જોકે ત્યારબાદ વર્ષ ગત વર્ષ 2017માં રાજ્ય સરકારે ઉપરોક્ત શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની એનઓસી આપી હતી.

એનઓસી મળ્યા બાદ ઉપરોક્ત તમામ શાળાઓમાં નવા શિક્ષકોની ભરતી કરાઈ છે. ઉપરાંત 5 વર્ષ બાદ નવી ભરતી કરેલા શિક્ષકોને કાયમીના નિમણૂક પણ આપી દેવામાં આવી છે. પરંતુ દોઢ દાયકાથી ફરજ બજાવતા અનુભવી શિક્ષકોને કાયમી ન કરાતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. જૂના શિક્ષકોને કાયમી કરવા માટે અનેક વખત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ સોસાયટીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઈ છે. તેમ છતાં જુના શિક્ષકોને કાયમી નહીં કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...