વન વિભાગની મંજુરી વિના મનપા દ્વારા સેક્ટર-16માં ઝાડના ડાળખા કાપવામાં આવ્યા હતા. આથી વન વિભાગના ફરજ ઉપરના ફોરેસ્ટરે મનપાની ગાડીને અટકાવી દીધી હતી. ઉપરાંત મંજુરી લેવામાં આવી છે કે નહી તેની માહિતી લીધી હતી. જોકે છેવટે ઝાડ કાપવાની ગાડીના ચાલક અને મશીન ઓપરેટર પાસેથી લેખિત લીધા બાદ ગાડીને મુક્ત કરી હતી.
પર્યાવરણ બચાવોના સંદેશા વચ્ચે વન વિભાગની મંજુરી વિના જ વૃક્ષોના ડાળખા આડેધડ કાપવામાં આવી રહ્યા છે. આવો જ બનાવ ગુરૂવારે સેક્ટર-16માં બનવા પામ્યો હતો. જેમાં સેક્ટર-16માં ફુટપાથ ઉપર આવેલા વૃક્ષના ડાળખાને મનપાના કર્મચારીઓ દ્વારા કાપવામાં આવ્યા હતા. જેની જાણ વન વિભાગના કર્મચારીને થતાં તાત્કાલિક મનપાની ઝાડ કાપવાની ગાડીને અટકાવી દીધી હતી. ઉપરાંત કોની મંજુરીથી ડાળખા કાપવામાં આવ્યા તેવી પુછપરછ મનપાના કર્મચારીઓની કરી હતી. જેમાં કર્મચારીઓએ અમારા સાહેબે કહ્યું હોવાથી ઝાડના ડાળખા કાપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આથી મનપાની ગાડીને વન વિભાગ દ્વારા જપ્ત લેવાઈ હતી. ઉપરાંત મનપાના જે અધિકારીએ આદેશ કર્યો છે તેમને સ્થળ ઉપર બોલાવાયા હતા. જેમાં ડાળખા કાપવાની મંજુરી લીધી નહી હોવાનું વન વિભાગને જણાવ્યું હતું. આ મામલાની જાણ વન વિભાગના કર્મચારીએ ફોરેસ્ટરને જાણ કરી હતી. જોકે મનપાના કર્મચારીઓ હોવાથી ઝાડ કાપવાના મશીન ઓપરેટર અને ગાડીના ચાલક પાસેથી લેખિત લખાણ લીધા બાદ મનપાની ગાડી અને ઝાડ કાપવાના મશીનને મુક્ત કરાયુ હતું.
23 સેન્ટિમીટરની ડાળખી કાપવા માટે મંજૂરી લેવાની જરૂરી નથી
વન વિભાગના નિયમોનુંસાર 23 સેન્ટિમીટરની ડાળખીને વૃક્ષમાં ગણતરી કરવામાં આવતી નથી. આથી આવી ડાળખી કાપવા માટે વન વિભાગની મંજુરી લેવાની જરૂર રહેતી નથી. પરંતુ 23 સેન્ટિમીટરથી મોટી ડાળખી કાપવા માટે વન વિભાગની ફરજિયાત મંજૂરી લેવાનો નિયમ છે. મંજૂરી વિના ડાળખાં કાપવા બદલ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
ભાજપના કાર્યાલય માટે ડાળખાં કાપ્યા
વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તરની સીટ માટે મધ્યસ્થ કાર્યાલય સેક્ટર-16માં ઉભું કરવામાં આવ્યું છે. આથી રોડ ઉપરથી કાર્યાલય દેખાય તે માટે નડતા ઝાડના ડાળખા કાપવામાં આવ્યા હોવાની બનાવ સ્થળે ઉપસ્થિત લોકોમાં ચર્ચા જોવા મળતી હતી.
ઝાડના ડાળખાં કાપવાની તપાસ કરાશે
સેક્ટર-16માં વન વિભાગની મંજૂરી વિના મનપા દ્વારા ઝાડના ડાળખાં કાપવાના બનાવમાં આરએફઓ હરગોવનભાઇ દેસાઇને પુછતાં જણાવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. ઉપરાંત મશીન ઓપરેટર અને ગાડીના ચાલક પાસેથી લેખિત લેવામાં આવ્યું છે કે કોની સૂચનાથી આવ્યા હતા. ઉપરાંત કોના કહેવાથી ઝાડના ડાળખા કાપવામાં આવ્યા છે. - આરએફઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.