ભાસ્કર એક્સકલુઝિવ:શહેરની આંગણવાડીઓ પૃથ્વીના ગોળા, મગર સહિતના એલિવેશનમાં તૈયાર કરાશે

ગાંધીનગર18 દિવસ પહેલાલેખક: આશિષ મકવાણા
  • કૉપી લિંક
  • કોર્પોરેશન ચિલ્ડ્રન યુનિવર્સિટીએ તૈયાર કરેલી ડિઝાઈન પર આંગણવાડીઓ તૈયાર કરશે

ગાંધીનગર કોર્પોરેશન પાસે હાલ શિક્ષિણની જવાબદારી નથી, જોકે શહેરી વિસ્તારમાં આવેલી 111 આંગણવાડીઓની જવાબદારી છેલ્લા આઠેક મહિનાથી કોર્પોરેશનના માથે છે. આંગણવાડીના રિનોવેશનથી લઈને નવી કામગીરી માટે મનપા કામ કરે છે.

વધુમાં વધુ બાળકો આંગણવાડીઓ તરફ આકર્ષાય તે માટે શહેરની આંગણવાડીઓને ચિલ્ડ્રન યુનિવર્સિટીએ તૈયાર કરેલી ડિઝાઈન-સુચનો પ્રમાણે તૈયાર કરાશે. જેમાં હાલના સમયે એકાદ રૂમમાં ચાલતી આંગણવાડીઓના બદલે 16 બાય 16ના ત્રણ રૂમ કે 24 બાય 24ના બે રૂમ, આગળ ગાર્ડન અને તેના આગળ પેવરબ્લોક સહિતની સુવિધા ઉભી કરવાનું આયોજન છે.

મનપા દ્વારા નવી 22 જેટલી આંગણવાડીઓ બનાવવામાં આવશે
કોર્પોરેશન વિસ્તારમાં 111માં શહેરી વિસ્તારમાં 32 અને પેથાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 79 આંગણવાડીનો સમાવેશ થાય છે. ચિલન્ડ્ર યુનિવર્સિટી દ્વારા બાળકો માટે હાલ પોતાના કેમ્પસમાં શિશુવાટિકા બનાવેલી છે. જેનો આધાર લઈને મનપા કામગીરી કરશે.કોર્પોરેશન વિસ્તારના ભાટમાં 3, વાવોલમાં 2, પોરમાં 4, અંબાપુરમાં 3, કોલવડામાં 4, રાંધેજામાં 2, ખોરજમાં 2 તથા પેથાપુરમાં 2 આંગણવાડીઓ સંપૂર્ણ રીતે નવી બનાવવામાં આવશે.

ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા આંગણવાડી માટે કરાયેલા સૂચનો
- નાના એક-બે રૂમની જગ્યાએ મોટા બે કે ત્રણ રૂમ બનાવવા.
- બાળકો ખુલ્લામાં રમી શકે તે માટે આંગણવાડી આગળ ગાર્ડન બનાવવો.
- બાળકોને જ્ઞાન મળે તે માટે પેવરબ્લોકમાં જ પ્લસ, માઈનસ કે અન્ય આકાર આપવા.
- ભણવા માટેના ડેસ્ક પણ અલગ-અલગ ડિઝાઈન પ્રમાણે રાખવા.
- રૂમ એલીવેશન બાળકોને ગમે તે રીતે પૃથ્વીનો ગોળો, મગર વગેરે રીતે તૈયાર કરવા.
- અંદરથી બહુ રંગીન ન કરીને બાળકોની નજર ઠરે તેવું રાખવું.
- બારીનું સીલ નીચે રાખવાથી હવા ઉજાસ વધશે અને બાળકોને બહારનું વાતાવરણ માણી શકશે. -સિલિંગમાં સ્ટાર્સ લગાવીને ખુલ્લા આકાશ જેવો માહોલ ઉભો કરવો.
- માટીના રમકડાં, નકલી નોટો, કલરના સ્ટોન, કોડી સહિતની વસ્તૂઓ રાખી બાળકોને જ્ઞાન આપવું.

નવામાં તમામ સુવિધા, જૂનામાં શક્ય હોય તેટલી સુવિધા અપાશે
મનપા દ્વારા નવી 22 જેટલી આંગણવાડીઓ બનાવવામાં આવશે, જેમાં કેટલાકમાં જૂની આંગવાડી તોડીને નવી તો કેટલાકમાં નવી જગ્યા પર કામગીરી કરશે. આ ઉપરાંત મનપા 41 આંગણવાડીઓને રિનોવેટ કરશે. જેમાં નવી કામગીરીમાં મોટાભાગના સુચનો પ્રમાણે કામગીરી કરાવાનું આયોજન છે. જ્યારે રિનોવેશનની કામગીરીમાં જગ્યા પ્રમાણે શક્ય હોય તેટલી સુવિધાઓ આપવામાં આવશે. મનપા દ્વારા નવી એક આંગણવાડી બનાવવા માટે અંદાજે 15થી 20 લાખ જેટલો ખર્ચ કરશે.

અન્ય સમાચારો પણ છે...