ઉકેલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર:પ્રશ્નોના ઉકેલની માંગ સાથે 4 દિવસથી ગાંધીનગર જિલ્લાની આંગણવાડી બંધ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાતા અ ચોક્કસ મુદતને આંગણવાડી બંધનું શસ્ત્ર ઉગામ્યો છે. - Divya Bhaskar
આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાતા અ ચોક્કસ મુદતને આંગણવાડી બંધનું શસ્ત્ર ઉગામ્યો છે.
  • 1000 આંગણવાડીઓ બંધ રહેતાં 35,000 ભૂલકા પોષણયુક્ત આહારથી વંચિત, 10મી સુધી ઉકેલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર

આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાતા અ ચોક્કસ મુદતને આંગણવાડી બંધનું શસ્ત્ર ઉગામ્યો છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લાની 1000 આંગણવાડીઓ બંધ રહેતા 35000 ભૂલકાઓ પોષણયુક્ત આહારથી વંચિત રહેવા પામ્યા છે. જો આગામી તારીખ 10મી સપ્ટેમ્બર સુધી પ્રશ્નો નહીં ઉકેલાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી આંગણવાડીના કર્મચારીઓએ ઉચ્ચારી છે.

સમાજમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે ભૂલકાઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓ કુપોષણનો ભોગ ન બને તે માટે પૌષ્ટિક આહારનું વિતરણ કરતી આંગણવાડીના કર્મચારીઓ આર્થિક કુપોષણનો સામનો કરી રહી છે. કારમી મોંઘવારીમાં પણ આંગણવાડીના તેડાગરને માસિક 3900 કાર્યકરને માસિક 7800 વેતન આપવામાં આવે છે.

જ્યારે તેની સામે અધધ કામગીરી લેવામાં આવી રહી છે. તેમ છતાં આંગણવાડીઓના કર્મચારીઓને પ્રશ્નો ઉકેલોમાં રાજ્ય સરકાર આંખ ખાડા કાન કરી રહી હોવાનો આક્ષેપ આંગણવાડીના કર્મચારીઓએ કર્યો છે. આંગણવાડીના કર્મચારીઓ પાસે અન્ય કામગીરી પણ લઈને કામગીરીનું ભારણ વધારવામાં આવી રહ્યો છે. જે રીતે આંગણવાડી કર્મચારીઓ પાસે કામગીરીનું ભારણ વધારવામાં આવે છે. તેમ જો પગાર પણ વધારાય તેવી માંગ કર્મચારીઓમાં ઉઠવા પામી છે. આંગણવાડીના કર્મચારીઓ 10 વર્ષનો અનુભવ ધરાવતા હોવા છતાં સુપરવાઇઝર તરીકે પ્રમોશન નહીં આપીને અન્યાય કરાય છે.

ઓનલાઈન અને ઓફલાઈન ડબલ કામગીરી
આંગણવાડીના કર્મચારીઓ પાસે અલગ અલગ પ્રકારના 11 રજીસ્ટરો નિભાવવાની સાથે સાથે તેમને આપેલા મોબાઇલમાં પણ દરેક બાળક દીઠ વિગતોની ઓનલાઈન પણ એન્ટ્રી કરવાની હોય છે. મેન્યુઅલ અને ઓનલાઇન એમ ડબલ કામગીરી પણ કરાવવામાં આવે છે.

આંગણવાડીઓમાં કરવામાં આવતી કામગીરી
આંગણવાડીમાં 3થી 5 વર્ષના બાળકોને પોષણયુક્ત આહાર અપાય છે. સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પણ પોષણની આહાર, રસીકરણ આપવામાં આવે છે. દર પંદર દિવસે કુપોષણ મુક્ત કરવા સગર્ભા માતાઓને લાડું આપવામાં આવે છે.

માણસા તાલુકાની 200થી વધુ આંગણવાડી બહેનો દ્વારા પ્રદર્શન
માણસા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સરકાર સામે બાંયો ચડાવી રહી છે. મહિલાઓ દ્વારા 10 દિવસથી તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રોને તાળાં મારી તાલુકા મથકે ધરણા સહિતના જલદ કાર્યક્રમો આપી રહી છે. જેમાં નજીવા માનદ વેતનને સ્થાને લઘુત્તમ મહેનતાણું માસિક રૂ. 18 હજારથી 20 હજાર, સરકારી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ બાદના લાભ, મહત્તમ વયમર્યાદા દૂર કરવા, નિયત કામગીરી સિવાયની વધારાની જવાબદારીઓ બંધ કરવા માગ કરાઈ છે. પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી કાર્યકર બહેનોને પણ પ્રાથમિક શિક્ષણ આપતી કાર્યકર બહેનોની સમકક્ષ તમામ લાભ-સુવિધા પૂરાં પાડવાં માગ કરાઈ છે.

હડતાળને પગલે બંધ કલોલની 2 આંગણવાડી કેન્દ્રમાં ચોરી
આંગણવાડી કાર્યકર-તેડાઘર બહેનો દ્વારા ચાલી રહેલી હડતાળને પગલે આંગણાડીઓ બંધ છે. ત્યારે તેનો લાભ લઈને કલોલ તાલુકાની પલીયડ અને મોખાસણ આંગણવાડી કેન્દ્રમાં ચોરીની ઘટના બની છે. લીલાબેન ડાભી પલીયડ આંગણવાડી કેન્દ્ર ખાતે 25 વર્ષથી કાર્યકર તરીકે નોકરી કરે છે. 1 સપ્ટેમ્બરથી આંગણવાડીમાં નોકરી કરતાં તમામ આંગણવાડી કાર્યકર-તેડાઘર બહેનો હડતાળ પર હોવાથી કેન્દ્રો બંધ છે. આંગણવાડી કેન્દ્રમાં ચોરી થઈ હોવાની જાણ થતાં બુધવારે તેઓ ત્યાં ગયા હતા. જેમાં દરવાજાનું તાળુ તૂટેલ હાલતમાં નીચે પડેલું હતું અને અંદરથી 15 કિલોગ્રામનો સિંગતેલનો ડબ્બો, ગેસ સિલિન્ડરનો એક ચાલુ અને એક ખાલી સિલિન્ડર ગૂમ હતી. તેઓએ સુપરવાઈઝરને જાણ કરતાં તેઓએ મોખાસણ ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે પણ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. મોખાસણ કેન્દ્ર પરથી સિંગતેલનો ડબ્બો અને 2 ગેસ સિલિન્ડરની ચોરી થઈ હતી. ચોરીની ઘટના 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર વચ્ચે થઈ છે, જે અંગે પોલીસે બંને આંગણવાડી કેન્દ્ર પરથી 16 હજારની મત્તાની ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...