કોરોનાના વધી રહેલા કેસો મામલે હાઈકોર્ટ સરકારની કામગીરીથી નારાજ છે. આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને 12 એપ્રિલથી સુનાવણી હાથ ધરી છે. હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની સારવાર
ગત 15મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ શામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.
ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે
સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય.
હોસ્પિટલોમાં મળતી સારવાર, રેમડેસિવિરના મુદ્દે હાઈકોર્ટ ખફા
નોંધનીય છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિઆની બેંચે 12 એપ્રિલે સુઓમોટો હેઠળ નોંધેલી PILની સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી હતી, જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સુનાવણીમાં ઓનલાઇન ભાગ લીધો હતો. હાઈકોર્ટની બેન્ચે આ સુનાવણીમાં સરકાર હાલ જે રીતે કોવિડ-19ની સ્થિતિનું સંચાલન કરી રહી છે એની નીતિઓ અંગે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લોકોને સારવાર મેળવવામાં, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત તેમજ હજી પણ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં લોકોના ભેગા થવા અંગે હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
રાજ્યના લોકો ભગવાનના ભરોસે
આ પહેલા 12 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની તતડાવી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતાં? હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે? આવા સવાલો કરીને હાઈકોર્ટે તુરંત આકરાં પગલાં લેવા સરકારને તાકીદ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.