તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:ગાંધીનગરમાં ઓક્સિજન સપ્લાયનાં વેપારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર અને બાઈકનો અકસ્માત થતાં વેપારીને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા હતા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પૂર્વ ચીફ ફાર્માસિસ્ટનાં પુત્રનું ગઈકાલે ગ -1 સર્કલ નજીક થયેલા કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગાંધીનગરમાં ઓક્સિજન સપ્લાયનો ધંધો કરનાર વેપારીના બાઈકને કારે ટક્કર મારતાં તેમને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થતાં સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેક્ટર 4/એ પ્લોટ નંબર 180/2 માં રહેતાં અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પૂર્વ ચીફ ફાર્માસિસ્ટ કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલને ત્રણ સંતાનો છે. જેમનો સૌથી નાનો પુત્ર 42 વર્ષીય જલ્પન ઓક્સિજન સપ્લાયનો ધંધો કરે છે.

ગઈકાલે સાંજના સમયે જલ્પન અને હર્ષદ રાઠોડ બાઈક ઉપર ગ-2 સર્કલથી ગ-1 સર્કલ તરફ જઈ રહ્યા હતા. તે વખતે સેકટર-3માંથી નીકળતા કટ પાસે કાર (નંબર GJ-01-HZ-6829)ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જલ્પન અને હર્ષદ બાઈક પરથી જમીન પર પટકાયા હતા. ત્યારે કારનો ચાલક પોતાની કાર મૂકીને નાસી ગયો હતો.

અકસ્માત થતાં આસપાસના રાહદારી વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી જલ્પનને અમદાવાદ સિવિલમાં વધુ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...