દહેગામ-રખીયાલ હાઇવે રોડ પર પાલૈયા ગામે ઘરની બહાર ખાટલા પાસે ઉભેલા વૃદ્ધનું સામેથી ટ્રકની ટક્કર વાગવાથી ગણતરીના કલાકોમાં ગાંધીનગર સિવિલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માત કરીને ભાગી ગયેલા ટ્રક ચાલકને મૃતકના પુત્રએ ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડ્યો હતો. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
દહેગામના પાલૈયા ગામે રહેતા ટીના મહેશભાઈ દેવીપૂજકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પરિવારમાં માતા અમરતબેન તેમજ સાત ભાઈ-બહેનો છે. ગઈકાલે સોમવારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેના પિતા મહેશભાઈ દેવીપૂજક ઘરની બહાર ખાટલા પાસે ઊભા હતા. એ વખતે રખીયાલ તરફથી આવતી ટ્રકનો ચાલક પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને મહેશભાઈને સામેથી ટક્કર મારીને દહેગામ તરફ ભાગ્યો હતો.
જેનાં પગલે ટીનો અને તેની માતા અમરતબેન દોડી ગયા હતા. જ્યાં મહેશભાઈ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં પડ્યા હતા અને અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા. બાદમાં ટીનો અને તેના પિતરાઈ ભાઈ વિપુલ તેમજ પરેશે બાઈક ઉપર ટ્રકનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો. જ્યાં દહેગામના નાથાલાલ પેટ્રોલ પંપ સામેના રોડ પરથી ટ્રકને રોકી તેમણે ડ્રાઇવરને પકડી લીધો હતો.
બીજી તરફ મહેશભાઇને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં ફરજ પરના તબીબે મહેશભાઈને છાતી, પેટ અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત જાહેર કર્યા હતા. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.