ગઠિયા કળા કરી ગયા:ગાંધીનગરના વૃદ્ધ દંપતીએ તાંબાનાં લોટાની ચળકાટ જોઈ સોનાની બંગડીઓ પણ ધોવડાવી, ગઠિયાઓ બે લાખનું સોનું કાઢીને ફરાર

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં સેકટર - 27 માં વૃદ્ધ દંપતીએ તાંબાના લોટાની ચળકાટ જોઈને ગઠિયાની વાતોમાં આવી જઈ ચાર તોલા સોનાની ચાર બંગડીઓ પણ ચકચકિત કરવાં માટે આપી હતી. જેનો લાભ ઉઠાવી ગઠિયાઓ બાઉલમાં બંગડીઓ મૂકી લિકવિડ નાખીને બે લાખની કિંમતનું સોનુ કાઢી લઈ પલાયન થઈ ગયા હતા. આ અંગે સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરનાં સેકટર - 27 એકતા કોલોનીમાં રહેતા 72 વર્ષીય રણજીતસિંહ પોપટજી ચાવડા અને તેમના પત્ની ગીતાબા ગઇ તા.12/11/2022ના રોજ ઘરે હાજર હતા. એ વખતે બે અજાણ્યા યુવાનો વાસણ ઘસવાનુ વીમ લીક્વીડ વેચવા ગયા હતા. ત્યારે ડેમો જોવા માટે રણજીતસિંહે તાંબાનો જુનો લોટો આપ્યો હતો. જેને લિકવિડથી ધોઈને ગઠિયાઓએ ચકચકિત કરી આપ્યા હતો.

આ દરમ્યાન તેમણે ગીતાબાએ હાથે પહેરેલ સોનાની ચાર બંગડીઓ સામે નજર કરીને કહેલું કે વિમ લિકવિડથી બંગડીઓ પણ ચમકાવી આપીશું. આમ તાંબાના લોટની ચમક જોઈને વૃદ્ધ દંપતી તેમની વાતોમાં આવી ગયું હતું. અને બંગડીઓ ધોવા માટે આપી હતી. એટલે ગઠિયાએ એક બાઉલમાં બંગડીઓ મૂકી તેના ઉપર લીક્વીડ નાંખીને તેને દસેક મીનીટ સુધી ઘસીને ધોઈ હતી. ત્યાર બાદ એક વીમના પાઉચ ઉપર બંગડીઓ મુકી હળદર જેવો પીળો પાઉડર નાંખીને કહેલ કે દસ મીનીટ જેટલુ સુકાવા દઇ પછી બંગડીઓ ઉપરથી પાઉડર લુખી નાંખજો એટલે બંગડીઓ ચમકશે તેમ કહીને બન્ને રવાના થઈ ગયા હતા.

જેની દસ મિનિટ પછી પાઉડર સાફ કરીને જોતા બંગડીઓ એકદમ હલકી લાગતા દંપતીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. આ બંને ગઠિયાની આજદિન સુધી શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ અખબારોમાં દાગીના ધોવાના બહાને ઈસમો પકડાયા હોવાનું વાંચીને રણજીતસિંહે સેકટર - 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...