કામગીરી:3 દિવસ અગાઉ દેખાયેલા દીપડાને પકડવા આસપાસના 8 કિમી વિસ્તારમાં તપાસ કરાઈ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંબોડ ગામના નદી કિનારે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ

ત્રણ દિવસ અગાઉ અંબોડ ગામમાં નદી કિનારા કોતરમાં ચરતી ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. આથી દીપડાને પકડવા માણસાના વન વિભાગની ટીમે આસપાસના 8 કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ દીપડાનું કોઇ જ પગેરૂ મળ્યું નહી. આથી પકડવા માટે મારણ સાથે પાંજરા મુકવામાં આવ્યા છે.

આઠેક માસના લાંબા વિરામ બાદ દીપડાએ દેખા દેતા પુન: નદી કિનારાના ગામોના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાબરમતી નદી કિનારાના અંબોડ ગામના આનંદપુરા પરા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ નદી કિનારાની કોતરોમાં ચરતી ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. ગાયનું મારણ કર્યાની ગ્રામજનોને જાણ થતાં લોકો ઉમટી પડ્યા હતા. ગાયની મારણની આસપાસ દિપડાના પગલાં જોવા મળ્યા હતા. વન વિભાગને જાણ થતાં માણસાના આરએફઓ એસ.બી.ડામોર, ફોરેસ્ટર બી.જી.ચૌધરી સહિત દોડી આવ્યા હતા. દીપડાએ દેખા દેતા તેનું પગેરૂ શોધવા માટે વન વિભાગની ટીમે અમરાપુરા, દેલવાડ સહિતના આસપાસના આઠેક કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરી હતી.

પરંતુ દીપડાનું કોઇ જ પગેરૂ મળ્યું નહી. જોકે દીપડાએ અંબાજી માતાજીની મંદિરની પાછળના ભાગમાં ગૌચરમાં ગાયનું મારણ કર્યું હોવાથી ગ્રામજનો હવે સીમમાં જતા ડરી રહ્યા છે. ગાયનું મારણ કર્યાનું કે દિપડાને ગ્રામજનોએ નજરે જોયો નથી. પરંતુ મારણ કરેલી ગાયની આસપાસ પગલાં દીપડાના હોવાથી વન વિભાગે દિપડાને પકડવા માટે મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હોવાનું વન વિભાગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગે ગત વર્ષે દીપડાના આતંકને પગલે બનાસકાંઠા વન વિભાગની ટીમની પણ મદદ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...