ગણતરીના કલાકોમાં ચાર અર્થી ઉઠી:દહેગામ તાલુકામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ઘાયલ મા-દીકરીનાં મોત, ગઈકાલે નાના અને દોહિત્રના મોત થયા હતા

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના દહેગામનાં હરખજીનાં મુવાડા પાસે ગઈકાલે શનિવારે ડમ્પરની ટક્કરથી દોહિત્ર અને નાના મોતનાં મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ નાની અને દીકરીને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેનું પણ મોત થતાં લાલુજીની મુવાડી ગામમાં મોતનો માતમ છવાઈ જવા પામ્યો છે. ગણતરીના કલાકોમાં એકજ પરિવારના ચાર લોકોની અર્થી ઉઠતાં પરિવાર સહિતના ગ્રામજનોની આંખો ભીંજાઈ ગઈ હતી.

ખરીદી કરી પરત ફરતી સમયે અકસ્માત નડ્યો હતો
દહેગામ તાલુકાના લાલુજીની મુવાડી ગામે રહેતો જીતેન્દ્રસિંહ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેનાં પરિવારમાં માતા જશોદાબેન, પિતા તરખસિંહ અને બહેન હીરલ હતી જેને ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે શૈલેષકુમાર બળદેવભાઇ બારૈયા સાથે પરણાવેલ હતી. આ લગ્ન જીવનથી તેને પાંચ વર્ષનો દીકરો મયુર હતો. છેલ્લા ચારેક મહિનાથી હિરલ તેના દીકરા મયુર સાથે પિયર રહેતી હતી.ગઈકાલે શનિવારે તખતસિંહ કુબેરસિંહ સોલંકી તેમના પત્ની જશોદાબેન, દીકરી હિરલબેન તેમજ પાંચ વર્ષના દોહિત્ર મયુરને બાઈક ઉપર લઈ દહેગામ ખાતે ખરીદી કરવા ગયા હતા. અને માર્કેટમાં ખરીદી કર્યા પછી બધા બાઈક ઉપર ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે દહેગામ બાયડ રોડ હરખજીના મુવાડા નજીક પાસેના રોડ ઉપર સામેથી આવી રહેલા ડમ્પરનાં ચાલકે પોતાનું ડમ્પર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી.

ગણતરીના કલાકોમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત
આ અકસ્માતના પગલે ચારેય જણાં બાઈક પરથી ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેનાં કારણે પાંચ વર્ષીય મયુરનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત તરખસિંહ તેમના પત્ની જશોદાબેન અને દીકરી હિરલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજના તબીબે ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તરખસિંહને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં માતા દીકરીને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન જશોદાબેન અને પછીથી તેમની દીકરી હિરલનું પણ મોત થયું હતું. આમ ગણતરીના કલાકોમાં સોલંકી પરિવારનાં ચાર સભ્યોના મોતનાં સમાચારથી ગામમાં મોતનો માતમ છવાઈ ગયો છે. એક પછી એક ચાર અર્થીઓ ઉઠતાં પરિવાર પણ આભ તૂટી પડયું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...